રોંગ સાઇડમાં એક્ટિવા લઈ જતા રોકતાં બે શખ્સો ઉશ્કેરાયા, ટ્રાફિક પોલીસકર્મી સાથે જાહેરમાં ગાળાગાળી
સીટી પોલીસ મથકના ગ્રાઉન્ડમાં પણ હોબાળો યથાવત: સમગ્ર સ્ટાફની સામે પોલીસકર્મીને જાનથી મારી નાખવાની ધમકી આપી બન્ને શખ્સો ચાલ્યા ગયા.
વાંકાનેરમાં ટ્રાફિક ચેકિંગ દરમિયાન રોંગ સાઇડમાં જતા ડબલ સવારી એક્ટિવાને રોકતા બન્ને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા. ટ્રાફિક પોલીસની ફરજમાં રૂકાવટ કરી ગાળાગાળી અને પોલીસ મથકના ગ્રાઉન્ડમાં પોલીસકર્મીને છરીના ઘા મારીને મારી નાખવાની ધમકી આપી હતી. હાલ બન્ને માથાભારે શખ્સો વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરજમાં રુકાવટ, ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ માલાભાઈ રબારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગઈકાલે તા. ૫ ઓગસ્ટે સાંજે જીનપરા જકાતનાકા રોડ પર ટ્રાફિક ડ્રાઇવ ચાલી રહી હતી. આ દરમિયાન જીજે-૨૩-ઈએલ-૦૦૦૭ નંબરના ડબલ સવારી એકટીવાનો ચાલક પોતાનું વાહન રોંગ સાઇડમાં જવાનો પ્રયાસ કરતો હોવાથી તેને યોગ્ય સાઇડમાં વાહન ચલાવવા સૂચના આપવામાં આવી હતી. જેથી આરોપી એક્ટિવા ચાલક અને પાછળ બેઠેલા સતુભા ઝાલા ઉશ્કેરાઈ ગયા હતા અને જી.આર.ડી. જવાન તેમજ ટ્રાફિક પોલીસકર્મીઓ સાથે ગાળાગાળી શરૂ કરી હતી. બાદમાં પોલીસે વાહનના દસ્તાવેજો અને ડ્રાઇવિંગ લાયસન્સ માંગતા બંનેએ કાયદેસરની કામગીરીમાં અવરોધ ઉભો કર્યો હતો.
જેથી બંનેને પોલીસ સ્ટેશને લઈ જતા હોય ત્યારે રસ્તામાં પણ તેઓ જાહેરમાં બૂમાબૂમ અને ગાળાગાળી કરતા હતા. ત્યારબાદ વાંકાનેર સીટી પોલીસ મથકના ગ્રાઉન્ડમાં પહોંચ્યા બાદ ફરી હોબાળો મચાવ્યો હતો. જેમાં આરોપી સતુભા ઝાલાએ ફરિયાદી પોલીસકર્મીને “છરીના ઘા મારી તને મારી નાખીશ” તેવી ધમકી આપી હતી. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે બંને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૧, ૩૫૨, ૩૫૧(૨)(૩) અને ૫૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






