સોના-ચાંદીના ઘરેણાં અને રૂ.૧.૩૫ લાખ રોકડની ચોરી, અજાણ્યા સામે ગુનો નોંધાયો.
વાંકાનેર તાલુકાના જુના વઘાસીયા ગામે બંધ રહેલા મકાનનું તાળું તોડી તસ્કરોએ સોના-ચાંદીના દાગીના અને રૂ.૧.૩૫ લાખ રોકડ મળી કુલ રૂ.૧.૭૧ લાખની માલમત્તાની ચોરી કરી હતી. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
ઘરમાં ચોરી અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેરના જુના વઘાસીયા ગામના રહેવાસી ફાતમાબેન ઉસ્માનભાઈ માણસીયા ઉવ.૫૦એ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ ૪ ઓગસ્ટની સાંજે પોતાના પિતાના ઘરે રાત્રિ રોકાણ માટે ગયા હતા. દરમિયાન તેમના મકાનના ઓસરીના દરવાજાનું તાળું તોડી અજાણ્યા તસ્કરો ઘરમાં ઘુસી અને બેડરૂમમાં રાખેલી તિજોરી અને કબાટમાંથી બે સોનાના ચેન, સોનાનો કાંપ, વીંટી, દાણા, કડી, છ ચાંદીના સાકળા તેમજ રોકડા રૂ.૧.૩૫ લાખ મળી કુલ રૂ.૧.૭૧ લાખની માલમત્તા ચોરી કરી હતી. હાલ ચોરીના બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






