સંસદ ભવનના પ્રાંગણમાં સંતો અને સનાતન ધર્મનું અપમાન થયાનો આક્ષેપ, જવાબદાર સાંસદો સામે કાર્યવાહી અને સભ્યપદ રદ કરવાની માંગ.
મોરબી જીલ્લા સનાતન સંત સમાજના નેતૃત્વમાં હિન્દુ સમાજના આગેવાનો અને કાર્યકરોએ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સંસદ ભવનમાં સંતો અને સનાતન ધર્મનું અપમાન થયું હોવાનો આક્ષેપ કર્યો હતો. આવેદનમાં જવાબદાર સાંસદો સામે કાયદેસરની કાર્યવાહી અને તેમનું સાંસદપદ રદ કરવાની માંગ કરવામાં આવી છે.
મોરબી જીલ્લા કલેક્ટર કચેરી ખાતે મોરબી જીલ્લા સનાતન સંત સમાજના નેતૃત્વમાં બહોળી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી સંસદ ભવનના પ્રાંગણમાં પપ્પુ યાદવ, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે દ્વારા સનાતન ધર્મ તથા સંત-મહંતોનું અપમાન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આવેદનમાં ખાસ કરીને પપ્પુ યાદવ દ્વારા ભગવા વસ્ત્રો પહેરી કરવામાં આવેલા કૃત્યને સમસ્ત સંત સમાજનું અપમાન ગણાવવામાં આવ્યું હતું. સાથે જ ભગવાન શ્રીરામ, અયોધ્યા રામ મંદિર અને હિન્દુ સમાજની આસ્થા સાથે મજાક કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.
આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે આ ઘટનામાં સંકળાયેલા તમામ સાંસદો સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ તેમનું સાંસદપદ તાત્કાલિક અસરથી રદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી વિનંતીસહ માંગણી કરવામાં આવી છે.






