વોટ્સએપ કોલ-મેસેજથી સંપર્ક કરી ફેક એપ અને ગ્રુપમાં એડ કરી અલગ-અલગ બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર કરાવી આચરી ઓનલાઈન છેતરપિંડી.
મોરબીના કારખાનેદારને શેરબજારના આઈપીઓમાં રોકાણ કરાવી સારો નફો અપાવવાની લાલચ આપી રૂ.૧.૫૪ કરોડની ઓનલાઇન ઠગાઈ કરવામાં આવી હોવાની ફરિયાદ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાઈ છે. જેમાં આરોપી અનન્યા શ્રીનિવાસન નામના વ્યક્તિ સહિતના આરોપીઓએ વોટ્સએપ મારફતે સંપર્ક કરી EXSECMAX નામની એપ્લિકેશન અને 16 Wealth Growth Community નામના ગ્રુપમાં જોડ્યા બાદ અલગ-અલગ બેંક ખાતામાં નાણા ટ્રાન્સફર કરાવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
મળતી વિગતો અનુસાર, મોરબીના એસપી રોડ ઉપર બી.૨૦૧ સિલ્વર હાઇટ્સમાં રહેતા અને મોરબીના ઉંચી માંડલ ખાતે ટાઇલ્સનું કારખાનું ધરાવતા ૪૬ વર્ષીય કારખાનેદાર વિશાલભાઈ ભરતભાઇ મણવરને ગત ૫ જુલાઈએ વોટ્સએપ પર અનન્યા શ્રીનિવાસન નામની વ્યક્તિનો કોલ આવ્યો હતો. તેણે શેરબજારમાં આવતા આઇપીઓમાં રોકાણ કરવાથી સારો નફો મળવાની વાત કરી હતી. ત્યારબાદ ફરિયાદીને EXSECMAX એપ્લિકેશન ડાઉનલોડ કરાવી અને 16 Wealth Growth Community નામના વોટ્સએપ ગ્રુપમાં જોડવામાં આવ્યા હતા.
એપ્લિકેશનમાં રોકાણ પર નફો થતો હોવાનું દર્શાવી વિશ્વાસ કેળવી આરોપીઓએ જણાવેલા અલગ-અલગ બેંક ખાતાઓમાં ફરિયાદી પાસેથી કુલ રૂ.૧,૫૮,૧૦,૦૦૦/- ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. બાદમાં રૂ.૪ લાખ પરત મળ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે, જ્યારે બાકીના રૂ.૧,૫૪,૧૦,૦૦૦/-પરત ન આપી ઠગાઈ કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ સમગ્ર બનાવ મામલે મોરબી સાયબર ક્રાઇમ પોલીસે આરોપી અનન્યા શ્રીનિવાસન, મોબાઇલ નંબર ધારકો તથા બેંક ખાતા ધારકો તેમજ તપાસમાં ખુલ્લે તે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા આઇટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.






