પ્લાસ્ટિકના પાઈપ અને લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી, માથાભારે દંપતી સામે ફરિયાદ
વાંકાનેરના જોધપર ગામે અગાઉની બોલાચાલી અંગે પોલીસમાં અરજી કર્યાનો ખાર રાખી એક મહિલા અને તેની ભત્રીજાની વહુ સાથે માથાભારે દંપતીએ ઝઘડો કરી માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે. બનાવમાં બંને મહિલાઓને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.
મળતી વિગતો મુજબ, જોધપર ગામે નાગલબેન વાલજીભાઈ રાઠોડ ઉવ.૪૫એ આરોપી ભાવુ બેન કિશનભાઈ સોલંકી અને કિશનભાઈ સોલંકી રહે. જોધપર તા.વાંકાનેર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, અગાઉ કરેલ પોલીસમાં અરજી કર્યાનો ખાર રાખી ગઈકાલે તા.૧૧/૦૮ના રોજ ફરિયાદીની દીકરીઓ ગામમાં છાસ લઈને પરત આવતી વખતે આરોપી ભાવુબેન કિશનભાઈ સોલંકી સાથે બોલાચાલી થઈ હતી. દરમિયાન નાગલબેન વચ્ચે પડતા ભાવુબેને પ્લાસ્ટિકના જાડા પાઈપથી નાગલબેનના મોઢા પર માર માર્યો હતો. ત્યારબાદ ભાવુબેનના પતિ કિશન લાકડી લઈને આવી નાગલબેનની ભત્રીજાની વહુ રેખાબેનને હાથના ભાગે માર માર્યો હતો.
આ દરમિયાન દેકારો થતા ફરિયાદીના પરિવારના સભ્યો અને ગામજનો એકત્ર થતાં આરોપી દંપતીએ કહ્યું કે, ‘હવે પછી તેમની વિરુદ્ધ ફરિયાદ કરવા જશો તો જાનથી મારી નાખશુ’ તેવી ધમકી આપી ત્યાંથી જતા રહ્યા હતા. હાલ વાંકાનેર તાલુકા પોલીસે બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






