Wednesday, September 16, 2026
HomeGujaratમોરબી સાયબર ક્રાઇમ પોલીસની મોટી સફળતા: શેરબજારમાં રોકાણના બહાને ₹૮૬ લાખથી વધુની...

મોરબી સાયબર ક્રાઇમ પોલીસની મોટી સફળતા: શેરબજારમાં રોકાણના બહાને ₹૮૬ લાખથી વધુની ઠગાઈ આચરતી ટોળકીના ૩ શખ્સો મહેસાણાથી ઝડપાયા; ₹૬૧ લાખની રકમ રિકવર

મોરબીના એક વેપારીના પુત્રને શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી લાખો રૂપિયા પડાવી લેતી આંતરજિલ્લા ગેંગનો મોરબી સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે ગણતરીના દિવસોમાં મહેસાણા જિલ્લામાંથી ૩ સાયબર ગઠિયાઓને ઝડપી પાડી ઠગાઈમાં ગયેલી રકમ પૈકી રૂ. ૬૧,૦૦,૦૦૦/- ની માતબર રકમ રિકવર કરવામાં નોંધપાત્ર સફળતા મેળવી છે.

- Advertisement -
- Advertisement -

શેરબજારમાં મોટા નફાની લાલચ આપી ₹૮૬.૨૫ લાખ પડાવ્યા

પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપીઓએ ફરિયાદીના પુત્રનો ટેલિફોનિક સંપર્ક કરી સ્ટોક માર્કેટમાં રોકાણ કરીને મોટો આર્થિક નફો કમાવવાની વિવિધ લોભામણી સ્કીમોની માહિતી આપી હતી. સાયબર ઠગોની જાળમાં ફસાઈ ગયેલા યુવકે મે અને જૂન-૨૦૨૬ દરમિયાન અલગ-અલગ તારીખોએ બેન્ક ખાતા તેમજ આંગડિયા પેઢી મારફતે કુલ રૂ. ૮૬,૨૫,૯૫૦/- જેટલી રકમ આરોપીઓને મોકલી આપી હતી. ત્યારબાદ આરોપીઓએ આ રકમ ઓળવી જતાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.

યુવકના પરિવારે તાત્કાલિક ભારત સરકારની સાયબર હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, મોરબી ખાતે તા. ૦૮/૦૯/૨૦૨૬ના રોજ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ-૩૧૬(૫), ૩૧૮(૨), ૩(૫) તથા ૬૧ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ટેકનિકલ તપાસના આધારે મહેસાણાથી ૩ આરોપીઓની ધરપકડ

રેન્જ આઈજી અને મોરબી એસપીની સૂચના હેઠળ સાયબર ક્રાઇમ પી.આઈ. તથા તેમની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસ મારફતે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. જેમાં આ ગુનાના તાર મહેસાણા જિલ્લા સાથે જોડાયેલા હોવાનું સામે આવતાં એક ટીમને તાત્કાલિક મહેસાણા રવાના કરવામાં આવી હતી. પોલીસે સફળ ઓપરેશન પાર પાડી ૩ આરોપીઓને દબોચી લીધા હતા અને ભોગ બનનારની રકમમાંથી રૂ. ૬૧ લાખ સફળતાપૂર્વક રિકવર કર્યા હતા.

આ ગુનામાં મોરબી સાયબર ક્રાઇમ પોલીસે મહેસાણા જિલ્લામાંથી કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં મહેસાણાના વિજાપુર તાલુકાના કમાલપુર ગામના ૨૫ વર્ષીય નિતીન બળદેવભાઈ રબારી, તે જ ગામના ૪૯ વર્ષીય ભલાભાઈ લાલાભાઈ રબારી તથા ખેરાલુ તાલુકાના હિરાપુરા (નળુ) ગામના ૨૬ વર્ષીય કશ્યપજી ઉર્ફે ચકો અમરશીજી ઠાકોરનો સમાવેશ થાય છે.

આરોપીઓની મોડસ ઓપરેન્ડી

આ ગેંગ ખાસ કરીને યુવાનોને ટાર્ગેટ કરતી હતી. ફોન પર સંપર્ક કરી સ્ટોક માર્કેટમાં ઊંચા વળતરના દિવાસ્વપ્નો બતાવી વિશ્વાસમાં લેતા. ત્યારબાદ ભોગ બનનાર પાસેથી અલગ-અલગ બેન્ક એકાઉન્ટ, UPI ID તેમજ આંગડિયા પેઢીઓ મારફતે નાણાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરતા હતા.

> પોલીસનો પ્રજાજોગ સંદેશ:

> કોઈપણ અજાણ્યા ફોન કૉલ, ઈ-મેઇલ કે સોશિયલ મીડિયાના માધ્યમથી સ્ટોક માર્કેટ, IPO કે નાણાં ડબલ કરવાની લોભામણી-લલચામણી સ્કીમોની લાલચમાં ન આવવું. આવી કોઈ અજાણી સ્કીમમાં રોકાણ ન કરતાં, માત્ર સરકાર માન્ય રજિસ્ટર્ડ બ્રોકરેજ ફર્મ મારફતે જ રોકાણ કરવું હિતાવહ છે. સાયબર ફ્રોડનો ભોગ બનો તો તાત્કાલિક ૧૯૩૦ હેલ્પલાઇન પર સંપર્ક કરવો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!