મોરબીના ભંગારના વેપારીઓને સસ્તામાં કોપર વાયરનો ભંગાર આપવાની લાલચ આપી લાખો રૂપિયા પડાવી લેતી ઠગબાજોની ટોળકીનો મોરબી સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે ગણતરીના દિવસોમાં ગેંગના ૪ શખ્સોને દબોચી લીધા છે અને છેતરપિંડીમાં ગયેલી રકમ પૈકી રૂ. ૧૦,૫૦,૦૦૦/- ની માતબર રકમ સફળતાપૂર્વક રિકવર કરી છે.
સસ્તા ભાવે કોપર આપવાની લાલચ આપી એડવાન્સ પેમેન્ટ પડાવ્યુ
કેસની વિગત મુજબ, ફરિયાદી તથા સાહેદ ભંગારની લે-વેચનો વ્યવસાય કરે છે. આરોપીઓએ તેઓને વિશ્વાસમાં લેવા માટે કોપર વાયરના ભંગારના ફોટાઓ મોકલી સસ્તા ભાવે સ્ક્રેપ ખરીદવાની લાલચ આપી હતી. ત્યારબાદ માલ આપવા સારૂ એડવાન્સ પેમેન્ટ પેટે અલગ-અલગ બેંક ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. આરોપીઓએ સાહેદ પાસેથી રૂ. ૬,૫૦,૦૦૦/- અને ફરિયાદી પાસેથી રૂ. ૯,૪૮,૭૨૦/- મળી કુલ રૂ. ૧૫,૯૮,૭૨૦/- ની રકમ પડાવી લઈ ભંગાર ન આપી છેતરપિંડી આચરી હતી.
પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં ફરિયાદીએ તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, મોરબી ખાતે તા. ૦૮/૦૯/૨૦૨૬ના રોજ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ-૩૧૬(૫), ૩૧૮(૨), ૩(૫) તથા ૬૧ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
જે અંગે મોરબી સાયબર ક્રાઇમ ટીમે ટેકનિકલ માધ્યમો અને હ્યુમન સોર્સિસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી અને ગુનામાં ગયેલી રકમમાંથી રૂ. ૧૦,૫૦,૦૦૦/- ની રોકડ રકમ રિકવર કરવામાં પોલીસને સફળતા મળી છે.
આ કેસમા પોલીસે નિતેષભાઈ લાભુભાઈ કુંઢીયા (ઉં.વ. ૩૨, રહે. મોરબી-૨), ઈરફાન કાસમભાઈ ઉઠમણા (ઉં.વ. ૩૨, રહે. ગામ નાના ખીજડિયા, તા. ટંકારા, જિ. મોરબી),વાહીદ આદમભાઈ ઠેબા (ઉં.વ. ૩૦, રહે. ગામ નાના ખીજડિયા, તા. ટંકારા, જિ. મોરબી), કમલેશ ઉર્ફે મયુર જગજીવનભાઈ સીંદલ (ઉં.વ. ૪૦, હાલ રહે. મહેન્દ્રનગર, મોરબી-૨, મૂળ રહે. લાકડીયા, તા. ભચાઉ, જિ. કચ્છ-ભુજ)ની ધરપકડ કરી છે.
આરોપીઓની મોડસ ઓપરેન્ડી
આ ટોળકી ખાસ કરીને સ્ક્રેપ (ભંગાર)ના ધંધા સાથે જોડાયેલા વેપારીઓને ટાર્ગેટ કરતી હતી. કોપર વાયર જેવા મોંઘા સ્ક્રેપના ફોટા મોકલી, બજારભાવ કરતાં સસ્તામાં માલ આપવાની વાતો કરી લલચામણી ઓફર આપતી. ત્યારબાદ અલગ-અલગ બેંક ખાતાઓમાં એડવાન્સ પેમેન્ટ ટ્રાન્સફર કરાવી માલ આપ્યા વગર મોટી રકમ ઓળવી જતી હતી.






