Wednesday, September 16, 2026
HomeGujaratમોરબી LCBની મોટી સફળતા: હળવદ પંથકમાં મોટરના કેબલ ચોરતી ગેંગને ₹૬.૨૬ લાખના...

મોરબી LCBની મોટી સફળતા: હળવદ પંથકમાં મોટરના કેબલ ચોરતી ગેંગને ₹૬.૨૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવાઈ:ચોરીનો માલ ખરીદનાર વેપારીની પણ ધરપકડ

મોરબી જિલ્લાના હળવદ પંથકમાં વાડી-ખેતરોમાંથી ઇલેક્ટ્રિક મોટરના કેબલ વાયર ચોરી કરતી રીઢા તત્ત્વોની ટોળકીને મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ ગણતરીના દિવસોમાં ઝડપી પાડી છે. પોલીસે ચોરી કરનાર ૬ શખ્સો અને ચોરીનો માલ રાખનાર ૧ વેપારી મળી કુલ ૭ આરોપીઓની ધરપકડ કરી ₹૬,૨૬,૧૦૦/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેબલ ચોરીના ત્રણ વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સીમમાંથી કોપર કેબલ વાયર ચોરી થવાના બનાવો સામે આવ્યા બાદ મોરબી LCB અને પેરોલ ફર્લો સ્ટાફ તપાસમાં હતો. તે દરમિયાન હળવદ પાસે વેગડવાવ રોડ પર આવેલા ડમ્પિંગ સ્ટેશન પાછળ અવાવરૂ જગ્યાએથી શંકાસ્પદ હાલતમાં મળેલા શખ્સોની પૂછપરછ કરતા સમગ્ર ચોરીનો પર્દાફાશ થયો હતો.

પોલીસે પકડી પાડેલા આરોપીઓમાં હળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં રહેતા અજય જીવરાજભાઈ કુંઢીયા (ઉં.વ. ૨૦), ચેતનભાઈ પરબતભાઈ જાગરીયા (ઉં.વ. ૨૪), નારણભાઈ ઉર્ફે હિતેશ વાલજીભાઈ રાઠોડ (ઉં.વ. ૨૪), રાહુલભાઈ અમરતભાઈ ઉધરેજીયા (ઉં.વ. ૨૩), પ્રવિણ ઉર્ફે દિનેશ મગનભાઈ ધામેચા (ઉં.વ. ૨૨) અને રાહુલ ઉર્ફે પૂચુ બાબુભાઈ ગોહિલ (ઉં.વ. ૨૧) સામેલ છે, જ્યારે ચોરીનો માલ રાખનાર તરીકે મોરબીના મહેન્દ્રનગર ખાતે રહેતા સુનિલભાઈ અજીતભાઈ હળવદિયા (ઉં.વ. ૨૪) ની ધરપકડ કરવામાં આવી છે.આ આરોપીઓ પાસેથી પોલીસે ત્રણેય ગુનામાં ચોરી થયેલ કેબલ વાયરમાંથી કાઢેલો આશરે ૩૭ કિલોગ્રામ કોપર વાયર (કિંમત ₹૪૮,૧૦૦/-), અન્ય સીમ વિસ્તારોમાંથી ચોરી કરેલો આશરે ૬૦ કિલોગ્રામ કોપર વાયર (કિંમત ₹૭૮,૦૦૦/-) તેમજ ગુનામાં વપરાયેલી એક સફેદ કલરની ક્રેટા કાર (નંબર GJ 37 B 9282, કિંમત ₹૫,૦૦,૦૦૦/-) મળી કુલ ₹૬,૨૬,૧૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.

ઝડપાયેલા આરોપીઓ પૈકી ચાર શખ્સો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં અજય જીવરાજભાઈ કુંઢીયા સામે હળવદ પોલીસ સ્ટેશનમાં જી.પી. એક્ટ કલમ ૩૭(૧), ૧૩૫ મુજબના ત્રણ ગુના તેમજ આઈ.પી.સી. કલમ ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૩૯૪(બી), ૧૧૪ મુજબનો એક ગંભીર ગુનો મળી કુલ ચાર ગુના નોંધાયેલા છે. ચોરીનો માલ રાખનાર સુનિલ અજીતભાઈ હળવદિયા સામે મોરબી સીટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ ૧૮૮ મુજબનો એક ગુનો તથા પ્રોહિબિશન એક્ટ હેઠળ એક ગુનો નોંધાયેલો છે. આ ઉપરાંત ચેતન પરબતભાઈ જાગરીયા સામે ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન અને હળવદ પોલીસ સ્ટેશનમાં BNS ની કલમ ૩૦૫(બી) હેઠળ ચોરીના બે ગુના દર્જ થયેલા છે, જ્યારે પ્રવીણ ઉર્ફે દિનેશ મગનભાઈ ધામેચા સામે પણ હળવદ પોલીસ સ્ટેશનમાં જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ અગાઉ એક ગુનો નોંધાઈ ચૂક્યો છે.

ખેડૂતો જોગ પોલીસની અપીલ

મોરબી પોલીસે ખેડૂતોને અપીલ કરી છે કે વાડી-ખેતરમાં મોટરના કેબલ ખુલ્લા રાખવાને બદલે જમીનમાં અંડરગ્રાઉન્ડ રાખવા, શક્ય હોય ત્યાં એલ્યુમિનિયમ કેબલનો ઉપયોગ કરવો તેમજ કોપર કેબલ ટાળવો. રાત્રિના સમયે ખેતરોમાં શંકાસ્પદ વાહનો કે વ્યક્તિઓ જણાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!