ગુગલ પરથી મળેલા કસ્ટમર કેર નંબર પર સંપર્ક કર્યા બાદ મોકલાયેલી લિંક ખોલી રૂ.૫નું ટ્રાન્ઝેક્શન કરતાં ખાતામાંથી રકમ ઉપડી ગઈ.
ટંકારા તાલુકાના લજાઈ ગામના સર્વિસ એન્જિનિયર સાથે કુરિયર ડિલિવરીના બહાને સાયબર છેતરપિંડી થઈ હતી. જેમાં ૧૦ દિવસ થયા તો પણ મોકલેલ કુરિયર ન મળતા જેની વિગતો લેવા માટે નકલી કસ્ટમર કેર નંબર પરથી મળેલી લિંકમાં વિગતો ભરી રૂ.૫નું ટ્રાન્ઝેક્શન કરતા બેંક ખાતામાંથી કુલ રૂ.૪,૪૨,૦૦૫/- ઉપડી ગયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, ટંકારાના લજાઈ ગામના પરસોતમભાઈ વશરામભાઈ મકવાણા ઉવ.૪૬ ગાંધીધામની કંપનીમાં સર્વિસ એન્જિનિયર તરીકે નોકરી કરે છે. કંપનીનું UPS ડીટીડીએસ કુરિયરથી ગાંધીધામ મોકલાવ્યા બાદ દસ દિવસ સુધી ડિલિવરી ન મળતાં તેમણે ગુગલ પરથી મળેલા નકલી કસ્ટમર કેર નંબર ૯૬૧૨૭૧૦૬૬૩ ઉપર સંપર્ક કર્યો હતો. સામેથી આરોપીએ મોકલેલી લિંકમાં કંપનીનું સરનામું અને પિનકોડ ભરાવી રૂ.૫નું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવ્યું હતું. ત્યારબાદ તા.૨૩ મેના રોજ તેમના એક્સિસ બેંક ખાતામાંથી રૂ.૪ લાખ RTGS અને રૂ.૪૨,૦૦૫.૯૦/- IMPS મારફતે ફેડરલ બેંકના ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા હતા. આ અંગે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન ૧૯૩૦ પર ફરિયાદ કર્યા બાદ હાલ ટંકારા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૬(૨), ૩૧૮(૪) તથા આઈટી એક્ટ કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.






