‘વિકસિત ભારત @ ૨૦૪૭’, ‘આત્મનિર્ભર ભારત’ અને ‘સેવા સંકલ્પ અભિયાન’ જેવી પ્રેરણાદાયી થીમ પર સ્પર્ધાઓ યોજાશે.
કુદરતી રંગો અને સામગ્રીથી સાથે વ્યક્તિગત અને ગ્રુપ રંગોળી સ્પર્ધાઓનું આયોજન; વિજેતાઓને અપાશે આકર્ષક રોકડ પુરસ્કારો.
મોરબી જીલ્લામાં સ્થાનિક કલાકારોની સર્જનાત્મક શક્તિઓને પ્રોત્સાહિત કરવાના ઉમદા આશયથી ગુજરાત સરકારના રમતગમત, યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, મોરબી દ્વારા ‘કલા ઉત્સવ ૨૦૨૬’ અંતર્ગત રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક સ્પર્ધકો માટે ‘વિકસિત ભારત @ ૨૦૪૭’, ‘મેક ઈન ઈન્ડિયા’, ‘જન કલ્યાણકારી યોજનાઓ’, ‘રાષ્ટ્રીય પ્રતીક’, ‘વિકસિત ભારતનું સ્વપ્ન’, ‘આત્મનિર્ભર ભારત’, ‘સેવા સંકલ્પ અભિયાન’ અને ‘સપ્તધારા વિઝન’ જેવી રાષ્ટ્રભાવનાત્મક થીમ નક્કી કરવામાં આવી છે.
પર્યાવરણના જતનને ધ્યાને રાખીને રંગોળીમાં માત્ર ફૂલ, માટી, રેતી, ચોખા, બીજ, પાંદડા અને પ્રાકૃતિક રંગો જેવી કુદરતી સામગ્રીનો જ ઉપયોગ કરવાનો રહેશે. આ સ્પર્ધા વ્યક્તિગત (સાઈઝ: ૧.૫ ફૂટ x ૧.૫ ફૂટ) અને ગ્રુપ રંગોળી (સાઈઝ: ૪ ફૂટ x ૪ ફૂટ) એમ બે વિભાગમાં યોજાશે. જેમાં વ્યક્તિગત વિભાગમાં પ્રથમ વિજેતાને રૂ. ૫,૦૦૦, દ્વિતીય બે વિજેતાઓને રૂ. ૩,૦૦૦ અને તૃતીય ત્રણ વિજેતાઓને રૂ. ૨,૫૦૦ નો પુરસ્કાર આપવામાં આવશે, જ્યારે ગ્રુપ રંગોળી વિભાગમાં પ્રથમ વિજેતા ગ્રુપને રૂ. ૧૫,૦૦૦, દ્વિતીય ગ્રુપને રૂ. ૧૦,૦૦૦ અને તૃતીય ગ્રુપને રૂ. ૭,૫૦૦ નું રોકડ ઈનામ એનાયત કરવામાં આવશે.
સ્પર્ધકોએ આપેલી લિંક https://forms.gle/HXMp86UFKyX6igSn7 દ્વારા તારીખ ૦૨/૧૦/૨૦૨૬ સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે, જેની જીલ્લાના તમામ ઉત્સાહી કલાકારોએ ખાસ નોંધ લેવા જીલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.






