મોરબી: વરસાદ ખેંચાતા ખેડૂતોને થયેલા પાક નુકસાનને ધ્યાનમાં રાખી ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ મચ્છુ-૨ ડેમ કમાન્ડ વિસ્તારના ખેડૂતોને જીરું અને ઘઉંના શિયાળુ પાક માટે સિંચાઈનું પાણી આપવા સિંચાઈ વિભાગમાં રજૂઆત કરી છે.
મોરબીમાં મચ્છુ-૨ ડેમ કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતો દ્વારા શિયાળુ પાકના વાવેતર માટે પાણીની માંગ કરવામાં આવી હતી. ખેડૂતોની રજૂઆતને પગલે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે ચાલુ વર્ષે અંતિમ તબક્કામાં વરસાદ ખેંચાઈ જવાના કારણે ખેડૂતોના પાકના ઉત્પાદનમાં ઘટાડો થયો છે, જેના પરિણામે ખેડૂતોની આવકને અસર થવાની શક્યતા છે. બીજી તરફ, આ વર્ષે પૂરતા વરસાદને કારણે મચ્છુ ડેમ બે વખત ઓવરફ્લો થયો હોવાનું તેમજ ખેડૂતોની સિંચાઈ માટે પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને મચ્છુ-૨ ડેમ કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોને આ વર્ષે શિયાળુ પાકમાં જીરું અને ઘઉંના વાવેતર માટે સિંચાઈનું પાણી આપવા ધારાસભ્ય દ્વારા સિંચાઈ વિભાગ સમક્ષ ખાસ ભલામણ કરવામાં આવી છે.






