વાવડી રોડ મીરા પાર્ક નજીક મોમાઈ ડેરી એન્ડ બેકરીમાં બનેલ બનાવમાં દુકાનદારની ફરિયાદના આધારે અશોક છુછીયા વિરુદ્ધ ગુનો નોંધાયો.
મોરબીના વાવડી રોડ પર મીરા પાર્ક નજીક ઉધારમાં વસ્તુ આપવાનો ઇનકાર કરતા દુકાનદાર સાથે બોલાચાલી કરી ગાળો આપી દુકાનના ફ્રીઝમાં પથ્થર મારી નુકસાન કરનાર અને જાનથી મારી નાખવાની ધમકી આપનાર અશોક છુછીયા વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. અગાઉ તા. ૧ ઓક્ટોબરની મોડી રાત્રે પોલીસે અશોક છુછીયાની તેના ઘરેથી પીધેલી હાલતમાં અટકાયત કરી હતી.
મોરબીના મીરા પાર્ક-૧ વાવડી રોડ ખાતે મોમાઈ ડેરી એન્ડ બેકરી ચલાવતા ૬૪ વર્ષીય જયેંદ્રગીરી પોપટગીરી ગોસ્વામીએ આરોપી અશોક રાયધનભાઈ છુછીયા રહે. મીરા પાર્ક શેરી નં.૩ વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. ૧ ઓક્ટોબરના રોજ સોસાયટીમાં રહેતો આરોપી અશોક છુછીયા દુકાને આવ્યો હતો અને ઠંડા પીણા સહિતની વસ્તુઓ ઉધારમાં માંગતા દુકાનદારે ઉધારમાં વસ્તુ ન આપતા હોવાનું જણાવ્યું હતું. આ બાબતે અશોક છુછીયા ઉશ્કેરાઈ જઈ દુકાનદારને ગાળો આપવા લાગ્યો હતો અને દુકાનમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા દુકાનદારની પત્ની સાથે ઝપાઝપી કરી હતી. ત્યારબાદ તેણે બાજુમાંથી પથ્થર લઈ દુકાનના ફ્રીઝમાં મારતાં નુકસાન થયું હતું અને દુકાનદારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બનાવથી ગભરાયેલા દંપતીએ ૧૧૨ પર ફોન કરી પોલીસને જાણ કરી હતી. પત્નીની તબિયત લથડતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર પણ લેવામાં આવી હતી. સમગ્ર બનાવ અંગે જયેન્દ્રગીરી ગોસ્વામીની ફરિયાદના આધારે સીટી એ ડિવિઝન પોલીસે આરોપી અશોક રાયધનભાઈ છુછીયા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. નોંધનીય છે કે તા. ૧ ઓક્ટોબરની મોડી રાત્રે પોલીસે અશોક છુછીયાની તેના ઘરેથી પીધેલી હાલતમાં જ અટક કરી લેવામાં આવી હતી.






