એસઓજી પોલીસે સ્પ્લેન્ડર પ્લસ બાઈક કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી.
મોરબીના વાઘપરાના નાકા પાસેથી એસઓજી પોલીસે ચોરી કે છળકપટથી મેળવેલ મોટરસાઇકલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ.૨૫ હજારની કિંમતનું બાઈક કબજે કરી આગળની કાર્યવાહી માટે આરોપીને એ ડિવિઝન પોલીસને સોંપ્યો છે.
મોરબી જીલ્લામાં ચોરીના બનાવો અટકાવવા અને વણઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢવા પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન મોરબી એસઓજીની ટીમને વાઘપરાના નાકા પાસે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં મોટરસાઇકલ સાથે મળી આવ્યો હતો. પોલીસે પૂછપરછ કરતાં તે બાઈક અંગે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો તેમજ આરસી બુક અને અન્ય દસ્તાવેજો પણ રજૂ કરી શક્યો ન હતો. જેથી પોલીસે હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ નંબર જીજે-૦૩-સીકયુ-૫૫૪૨ કિ.રૂ. ૨૫ હજાર વાળું કબજે કરી આરોપી હુશેનભાઈ ગફુરભાઈ જામ રહે. કુલીનગર-૨ વીસીપરા મોરબી વાળાની અટકાયત કરી આગળની કાર્યવાહી માટે પકડાયેલ આરોપીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.






