Sunday, October 25, 2026
HomeGujaratમોરબીમાં ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા નીકળી, ભક્તિ અને સંસ્કૃતિના રંગે રંગાયું શહેર

મોરબીમાં ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા નીકળી, ભક્તિ અને સંસ્કૃતિના રંગે રંગાયું શહેર

૫૦૦ સંતો અને ૧૧ હજારથી વધુ હરિભક્તોની ઉપસ્થિતિમાં ૬.૫ કિમી. લાંબી શોભાયાત્રા યોજાઈ: કલાત્મક રથો, લોકનૃત્યો અને પુષ્પવર્ષા સાથે નગરજનોએ ઠાકોરજીનું ભાવભેર સ્વાગત કર્યુ.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં મચ્છુ નદીના તટે નિર્મિત નૂતન BAPS સ્વામિનારાયણ મંદિરમાં યોજાનારી મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે શનિવારે ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. ૫૦૦ સંતો અને ૧૧ હજારથી વધુ હરિભક્તોની ઉપસ્થિતિમાં નીકળેલી ૬.૫ કિલોમીટર લાંબી યાત્રામાં કલાત્મક રથો, સાંસ્કૃતિક નૃત્યો અને ભક્તિભાવનાના અનોખા દર્શન થયા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં નગરજનોએ રંગોળી, આરતી અને પુષ્પવર્ષા કરીને ઠાકોરજીનું સ્વાગત કર્યું હતું.

સનાતન સંસ્કૃતિના ગૌરવને ઉજાગર કરતા BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના નૂતન મંદિરની મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવને લઈને મોરબીમાં ભક્તિમય માહોલ છવાયો છે. ગુરુહરિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શુભ સંકલ્પ અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ ગુરુહરિ મહંતસ્વામી મહારાજના પુરુષાર્થથી મચ્છુ નદીના તટે ગુલાબી પથ્થરમાં નિર્મિત ભવ્ય અને દિવ્ય મંદિર ખાતે તા.૨૫ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ યોજાનારી મૂર્તિપ્રતિષ્ઠા વિધિના પૂર્વાર્ધરૂપે શનિવારે તા.૨૪ ઓક્ટોબરના રોજ ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી.

શહેરના રાજમાર્ગો પર નીકળેલી આ શોભાયાત્રામાં ૫૦૦ સંતો, અંદાજે ૫,૦૦૦ પુરુષ હરિભક્તો અને ૬,૦૦૦થી વધુ મહિલા હરિભક્તો સહિત ૧૧ હજારથી વધુ ભાવિકો જોડાયા હતા. વડીલ સંતો અને મહાનુભાવોએ સુશોભિત રથનું પૂજન કર્યું હતું. ત્યારબાદ શાંતિપાઠના ગાન સાથે શોભાયાત્રાનું મંગલ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ભારત અને વિદેશમાંથી આવેલા હરિભક્તો, સ્વયંસેવકો તથા મોરબીવાસીઓના ઉત્સાહથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

કલાત્મક રથોમાં ઠાકોરજીનાં દિવ્ય દર્શન.

શોભાયાત્રામાં નૂતન મંદિરમાં પ્રતિષ્ઠિત થનાર ભગવાનનાં પવિત્ર સ્વરૂપો અને ગુણાતીત ગુરુપરંપરાની મૂર્તિઓ વિવિધ આકર્ષક અને કલાત્મક રથોમાં બિરાજમાન હતાં. હંસ રથમાં શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ અને સ્વામીશ્રી, મયૂર રથમાં શ્રી રાધાકૃષ્ણ ભગવાન, સિરામિક રથમાં શ્રી નીલકંઠવર્ણી મહારાજ, મચ્છુ રથમાં શ્રી ઘનશ્યામ મહારાજ, કૈલાસ રથમાં શિવ પંચાયતન અને સૂર્ય રથમાં રામ પંચાયતનનાં દર્શનનો લાભ ભાવિકોને મળ્યો હતો. આ ઉપરાંત પ્રમુખસ્વામી મહારાજનો કમલ રથ, મહંતસ્વામી મહારાજનો ફાઇબર મયૂર રથ, ભગતજી મહારાજનો કમલ રથ અને કુટિર રથ પણ શોભાયાત્રાનાં વિશેષ આકર્ષણ બન્યા હતા. મોરબીની સિરામિક કળાની ઝાંખી કરાવતો સિરામિક રથ ખાસ ધ્યાન ખેંચતો રહ્યો હતો.

ભારતીય સંસ્કૃતિ અને સમાજસેવાની ઝાંખી

શોભાયાત્રામાં ધાર્મિક ભાવનાની સાથે ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને સમાજ ઉત્થાનનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. સનાતન ધર્મનો મહિમા, સમાજસેવાના કાર્યો, સંસ્કાર શિક્ષણ પ્રવૃત્તિઓ, વ્યસનમુક્તિ અભિયાન અને નારીશક્તિને ઉજાગર કરતા વિવિધ ફ્લોટ્સ રજૂ કરવામાં આવ્યા હતા. રાજકોટ, મોરબી અને ગોંડલની નૃત્ય મંડળીઓ સાથે સેલવાસ, દાહોદ અને ખેડબ્રહ્માની આદિવાસી મંડળીઓએ પરંપરાગત લોકનૃત્યો રજૂ કરીને આકર્ષણ જમાવ્યું હતું. બાળકો અને યુવાનોએ લેઝીમ દાવ, પ્લેકાર્ડ અને વિવિધ વેશભૂષા દ્વારા પોતાની કળાનું પ્રદર્શન કર્યું હતું. બેન્ડવાજા અને ડીજેના તાલે નૃત્ય કરતા યુવક-યુવતીઓ તેમજ ભજન-કીર્તનમાં લીન વડીલો અને મહિલાઓએ શોભાયાત્રામાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ સર્જ્યો હતો.

૬.૫ કિ.મી.ના માર્ગ પર પુષ્પવર્ષા અને રંગોળીથી સ્વાગત.

બપોરે રામેશ્વર પાર્ટી પ્લોટથી શરૂ થયેલી શોભાયાત્રા ગોલ્ડન માર્કેટ, કેપિટલ માર્કેટ, બાપા સીતારામ ચોક, ગાંધી ચોક, નહેરુ ગેટ, મહાનગરપાલિકા, પોસ્ટ ઓફિસ અને શક્તિ ચોક ગરબી મંડળ થઈ બેઠા પુલ નીચેથી પસાર થઈ હતી. આશરે ૬.૫ કિલોમીટરનું અંતર કાપીને શોભાયાત્રા નૂતન BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. સમગ્ર માર્ગ પર દુકાનો, શો-રૂમ, કચેરીઓ અને રહેણાક વિસ્તારોમાં ભાવિકોએ ઠાકોરજીનાં દર્શન માટે ઉમટી પડીને ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. વિવિધ સમાજના અગ્રણીઓ, સોસાયટીના પદાધિકારીઓ અને રાજકીય હોદ્દેદારોએ રંગોળીઓ બનાવી, આરતી ઉતારી અને ફૂલોની પાંખડીઓથી પુષ્પવર્ષા કરીને શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું.

આ ભવ્ય શોભાયાત્રાએ મોરબીમાં ધાર્મિક આસ્થા, સાંસ્કૃતિક પરંપરા અને સામાજિક એકતાનો સુંદર સંદેશ આપ્યો હતો. હવે રવિવારે યોજાનારી મૂર્તિપ્રતિષ્ઠા વિધિને લઈને હરિભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!