આરોપી થારચાલક સામે એટ્રોસીટી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો.
વાંકાનેર તાલુકાના ભીમગુંડા ગામની સીમમાં આવેલી ખાણમાં કામ જોવા ગયેલા કોન્ટ્રાક્ટર સાથે માથાકૂટ કરી જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલી પાઇપથી હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં રાજકોટના ખોરાણા ગામના કેવલભાઈ સોલંકીની ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, એટ્રોસિટી સહિતની વિવિફહ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, રાજકોટના ખોરાણા ગામના કેવલભાઈ સોલંકીએ કુવાડવાના કરશનભાઈ કરમુર સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે, ગઈકાલ તા.૨૬/૧૦/૨૦૨૬ના રોજ સવારે આશરે દસ વાગ્યે ફરિયાદી કેવલભાઈ વનરાજભાઈ સોલંકી ઉવ.૨૩ જે કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે, તેઓ સાહેદ અજયભાઈ સાથે ભીમગુંડા ગામની સીમમાં આવેલી ટમુબેન પરબતભાઈ મોઢવાડિયાના નામની ખાણમાં કામ જોવા ગયા હતા. તે દરમિયાન બ્લેક કલરની થાર ગાડી નંબર જીજે-૦૩-પીડી-૦૭૦૪ લઈને આવેલા આરોપી કરશનભાઈ નગાભાઈ કરમુરે તેમની સાથે માથાકૂટ કરી ગાળો આપી અને જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલ્યા હતા, જે બાદ ફરિયાદી કેવલભાઈ અને સાહેદ ગાડી લઈને પાડધરા સ્થિત ઓફિસ તરફ જતા હતા ત્યારે આરોપીએ તેમની ગાડી રોકી ગેરકાયદેસર અવરોધ ઊભો કર્યો હતો. ત્યારબાદ ફરીથી ગાળો આપી પાઇપ વડે કેવલભાઈના માથામાં ઘા મારતાં તેમને સામાન્ય ઇજા થઈ હતી. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૫(૨), ૧૨૬(૨), ૩૫૨, એટ્રોસિટી એક્ટની કલમ ૩(૧)(આર), ૩(૧)(એસ), ૩(૨)(૫-એ) તથા જીપી એક્ટની કલમ ૧૩૫ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






