મોરબીથી ટાઇલ્સ ભરી અયોધ્યા જતા ટ્રેલરને મોડી રાત્રીએ નડ્યો અકસ્માત.
મોરબીથી ટાઇલ્સ ભરીને અયોધ્યા જઈ રહેલા રાજસ્થાનના ટ્રેલરચાલકને માળીયા(મી)ના ભીમસર બ્રિજ પર અકસ્માત નડ્યો હતો. આગળ જઈ રહેલા કન્ટેનર પાછળ ટ્રેલર ઘૂસી જતાં ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
બનાવની પ્રાપ્ત માહિતી મુજબ, રાજસ્થાનના જયપુર જીલ્લાના નારદપુરા ગામના રાજેશ રોડુરામ બાવરીયા ઉવ.૨૬ ટ્રક ટ્રેલર રજી.નં. આરજે-૪૭-જીએ-૧૭૯૩ ચલાવતા હતા. ત્યારે ગત તા. ૦૩/૧૧/૨૦૨૬ના રોજ તેઓ મોરબીથી ટાઇલ્સ ભરી અયોધ્યાના ફૈઝાબાદ જઈ રહ્યા હતા. દરમિયાન રાત્રિના આશરે ૧૧:૩૦ વાગ્યાના અરસામાં માળીયા(મી)ના ભીમસર બ્રિજ ઉપર પૂરઝડપે અને બેદરકારીથી ટ્રેલર ચાલક પોતાનું વાહન ચલાવતા હોય ત્યારે આગળ જઈ રહેલા ટ્રક કન્ટેનર રજી.નં. જીજે-૧૨-બીડબ્લ્યુ-૫૫૦૦ પાછળ ધડાકાભેર અથડાયું હતું.
આ અકસ્માતમાં ટ્રેલરની કેબિન કન્ટેનરની પાછળ ઘૂસી જતાં બંને વાહનોને નુકસાન થયું હતું અને ટ્રેલર ચાલક રાજેશને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને માળીયા(મી) સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના ભાઈ મુકેશભાઈ રોડુરામ બાવરીયાની ફરિયાદને આધારે માળીયા(મી) પોલીસે મૃતક ટ્રેલર ચાલક રાજેશ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને એમવી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






