માળીયા(મી) પોલીસની કાર્યવાહી: રૂ.૪૦ હજારનો આથાનો સ્થળ પર નાશ કર્યો.
માળીયા(મી) તાલુકાના મોટા દહીંસરા ગામથી નવલખી જવાના રસ્તે ફુલકી નદી પાસે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવવામાં આવતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. જ્યાં આઠ બેરલમાં ભરેલો કુલ ૧૬૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો આથો મળી આવ્યો હતો. આ સાથે માળીયા પોલીસે સ્થળ પરથી બે શખ્સોને ઝડપી લઈ રૂ.૪૦ હજારની કિંમતનો આથાનો નાશ કર્યો હતો.
માળીયા(મી) પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી હતી કે, સલીમભાઈ સંધવાણી નામનો શખ્સ મોટા દહીંસરાથી નવલખી જવાના રસ્તે ફુલકી નદી પાસે દેશી દારૂની ભઠ્ઠી ચલાવે છે. જેથી પોલીસે પંચોને સાથે રાખી દરોડો પાડતાં સ્થળ પરથી સલીમભાઈ મોહમદભાઈ સંધવાણી ઉવ.૨૬ અને ઇકબાલભાઈ રસુલભાઈ ભટ્ટી (ઉવ.૪૦ બંને રહે. વાડા વિસ્તાર માળીયા(મી) વાળા મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી આઠ બેરલમાં ભરેલો આશરે ૧૬૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો આથો કઈ.રૂ.૪૦ હજાર કબજે કરી સ્થળ પર જ નાશ કર્યો હતો. આ સાથે બંને શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






