ફેસબુકની લોભામણી રીલ્સ જોઈ axwel.com પર ખોલાવ્યું ટ્રેડિંગ એકાઉન્ટ: ટૂંકાગાળામાં વધુ નફાની લાલચ આપી અલગ-અલગ બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર કરાવ્યા.
હળવદના નિવૃત્ત એલઆઈસી એજન્ટને ફેસબુક પર શેરબજાર અને ફોરેક્સ ટ્રેડિંગમાં ટૂંકા સમયમાં મોટો નફો મેળવવાની લાલચ આપવામાં આવી હતી. ત્યારબાદ axwel.com વેબસાઇટ પર ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવી શરૂઆતમાં નફો થતો હોવાનું દર્શાવી વધુ રોકાણ કરાવ્યું હતું. ત્યારે ફરિયાદીએ પરિવારના ટ્રસ્ટ, પત્ની અને પોતાના બેંક ખાતામાંથી કુલ રૂ.૨૪,૯૧,૭૫૮/- ટ્રાન્સફર કર્યા હતા. જોકે, નાણાં ઉપાડવાની માંગ કરતાં એકાઉન્ટ બંધ કરી દેવામાં આવતાં મોરબી સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ, હળવદના સોનીવાડ વિસ્તારમાં વાઘેશ્વરી માતાજીના મંદિર પાસે રહેતા હર્ષદભાઈ શાંતિલાલ પાટડીયા ઉવ.૬૩ નિવૃત્ત છે અને તેઓ એલઆઈસી એજન્ટ/એડવાઇઝર તરીકે કામ કરે છે. તેમણે ફેસબુક પર શેરબજારમાં રોકાણથી સારો નફો મેળવવાની રીલ્સ જોઈ હતી. રીલ્સની લિંક મારફતે ફોર્મ ભરી વિગતો આપ્યા બાદ આરોપી અમિત રોમાનીયા નામના શખ્સે ફોન કરી axwel.com પર ફોરેક્સ અને કોમોડિટી ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવ્યું હતું. ટેલિગ્રામ પર Axwel_Account_Manager_bot મારફતે પણ સંપર્ક રાખી ટૂંકા સમયમાં સારા વળતરની લાલચ આપવામાં આવી હતી.
શરૂઆતમાં પોતાના બેંક ખાતામાંથી રૂ.૧,૯૭,૭૧૭/- નું રોકાણ કરાવ્યા બાદ વેબસાઇટ પર નફો થતો હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. ત્યારબાદ અલગ-અલગ બેંક ખાતાઓમાં પરિવારના ટ્રસ્ટ, પત્ની અને પોતાના ખાતામાંથી આરટીજીએસ તથા આઈએમપીએસ મારફતે વધુ નાણાં ટ્રાન્સફર કરાવ્યા હતા. કુલ રૂ.૨૪,૯૧,૭૫૮/- નું રોકાણ કર્યા બાદ રૂ.૧૦ લાખ ઉપાડવાની વિનંતી કરતાં તે રદ કરી દેવામાં આવી અને ટ્રેડિંગ એકાઉન્ટ બંધ કરી દેવાયું હતું. ત્યારબાદ નાણાં પરત મેળવવા વધુ રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવતાં ફરિયાદીએ ૧૯૩૦ હેલ્પલાઇન પર જાણ કરી હતી. હાલ મોરબી સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં આરોપી અમિત રોમાનીયા અને ટેલિગ્રામ એકાઉન્ટ સહિત તપાસમાં ખુલે તેવા શખ્સો વિરુદ્ધ બીએનએસ તથા આઇટી એક્ટની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.






