રૂ.૧,૬૦૦/-માં ત્રણ ડ્રેસનો ઓર્ડર આપ્યો, ડિલિવરી અને રિફંડના બહાને અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરાવી રૂ.૪,૦૦,૫૪૩/- પડાવ્યા.
મોરબી: સોશિયલ મીડિયામાં સસ્તા ભાવે કપડાં મળવાની લાલચ આપતી જાહેરાતો સાયબર ઠગોનું નવું હથિયાર બની રહી છે. મોરબીના સિરામિક ટાઇલ્સના વેપારીએ પત્નીના ફેસબુક એકાઉન્ટ પર સુરતની ‘સગુન ફેશન’ નામની પેઢીની જાહેરાત જોઈ ત્રણ ડ્રેસનો ઓર્ડર આપ્યો હતો. માત્ર રૂ.૧,૬૦૦/-ના ઓર્ડરની સામે ડિલિવરી અને રિફંડના બહાને ઠગોએ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરાવી વેપારી અને તેમની પત્નીના બેંક ખાતામાંથી કુલ રૂ.૪,૦૦,૫૪૩/- પડાવી લીધા હતા. હ બનાવ મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મોરબી-૨ના રાધિકા પેલેસ નજીક હરિગુણ રેસિડેન્સીમાં રહેતા પાર્થભાઈ નરોતમભાઈ જાકાસણીયા ઉવ.૩૦ લાલપર ગામ પાસે સિરામિક ટાઇલ્સનો વેપાર કરે છે. ગત તા. ૯ નવેમ્બરના રોજ તેઓ તેમની પત્ની જલ્પાબેનના ફેસબુક એકાઉન્ટ પર રીલ જોતા હતા ત્યારે સગુન ફેશન સુરતની ડ્રેસ અને સાડીઓ સસ્તા ભાવે મળતી હોવાની જાહેરાત જોવા મળી હતી. જાહેરાતમાં આપેલી લિંક પર ક્લિક કરતાં વોટ્સએપ મારફતે સંપર્ક થયો હતો અને ત્રણ ડ્રેસનો કુલ રૂ.૧,૬૦૦/-નો ઓર્ડર નોંધાવ્યો હતો. શરૂઆતમાં રૂ.૬૦૦/- અને રૂ.૧,૦૦૦/- નું પેમેન્ટ કર્યા બાદ ડિલિવરીના બહાને વધુ નાણાં મંગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ વધારાનું પેમેન્ટ રિફંડ કરવાના બહાને ક્યુઆર કોડ મોકલી ગુગલ-પે, યુપીઆઈ અને નેટ બેન્કિંગ મારફતે વારંવાર નાણાં ટ્રાન્સફર કરાવ્યા હતા. આ રીતે વેપારી અને તેમની પત્નીના બેંક ખાતામાંથી કુલ રૂ.૪,૦૦,૫૪૩/-ની રકમ મેળવી લેવામાં આવી હતી.
ઘણા દિવસો સુધી ડ્રેસની ડિલિવરી ન મળતાં અને રિફંડ પણ પરત ન આવતાં છેતરપિંડી થયાની જાણ થઈ હતી. ત્યારે વેપારીએ સાયબર હેલ્પલાઇન ૧૯૩૦ પર જાણ કર્યા બાદ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ તથા આઈટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી મોબાઇલ નંબર અને બેંક ખાતાધારકો સહિત તપાસમાં ખુલ્લે તેને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.






