દાગીના જોવા આવેલા અજાણ્યા મહિલા-પુરુષ પર ચોરીની આશંકા, વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી.
વાંકાનેર મેઈન બજારમાં આવેલી દ્વારકાધીશ જવેલર્સની દુકાનમાં દાગીના ખરીદવાના બહાને આવેલા અજાણ્યા મહિલા અને પુરુષે વેપારીની નજર ચૂકવી ૫.૧૯૦ ગ્રામ વજનની સોનાની બુટી કિ.રૂ.૮૧,૪૦૦/- ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. વેપારીએ દુકાનમાં શોધખોળ કર્યા બાદ બુટી ન મળતાં અજાણ્યા મહિલા-પુરુષ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગતો મુજબ, ફરિયાદી કાનાભાઈ જોધાભાઈ ડાભી ઉવ.૪૯ રહે.ખોરાણા ગામ તા.-જી. રાજકોટના જણાવ્યા મુજબ તેઓ વાંકાનેર મેઈન બજારમાં દ્વારકાધીશ જવેલર્સ નામે દુકાન ચલાવે છે. ત્યારે ગત તા.૧૫ ઓગસ્ટે સવારે આશરે ૧૧ વાગ્યે એક અજાણી મહિલા અને પુરુષ દુકાને દાગીના જોવા આવ્યા હતા. વેપારીએ તેમને સોનાની બુટીઓનું બોક્સ બતાવ્યું હતું. બંને દુકાનમાંથી ગયા બાદ બોક્સ તપાસતા ૫.૧૯૦ ગ્રામ વજનની કિ.રૂ.૮૧,૪૦૦/-ની એક સોનાની બુટી ઓછી જણાઈ હતી.
શોધખોળ છતાં બુટી ન મળતાં અજાણ્યા મહિલા-પુરુષે નજર ચૂકવી ચોરી કરી હોવાની આશંકાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા મહિલા અને પુરુષ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૩(૨) મુજબ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






