આંબેડકરનગરમાં પાનની દુકાન પાસે બોલાચાલી બાદ મારામારી: યુવકના માથામાં ઈજા, માતાને પણ શરીરે ઈજાઓ.
વાંકાનેરના આંબેડકરનગરમાં સામું જોવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થતાં એક શખ્સે યુવકને ઈંટ મારી ઇજા પહોંચાડી હતી. પુત્રને બચાવવા વચ્ચે પડેલી માતા પર પણ હુમલો કરી ઈજા પહોંચાડ્યા અંગે વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદ મુજબ, ગત તા.૨૮ ઓક્ટોબરની રાત્રે આશરે દસ વાગ્યે આંબેડકરનગર શેરી નં.૫ માં રહેતા કાર્તિકભાઈ અશોકભાઈ મકવાણા ઉવ.૨૮ પોતાના ઘર પાસે આવેલી ઇલોરા પાનની દુકાન નજીક ઊભા હતા. આ દરમિયાન આરોપી ભાવીન ઉર્ફે પિન્ટુ વિક્રમભાઈ ચાવડા રહે. આંબેડકરનગર રોયલ પાર્ક વાળો ત્યાં આવી ‘કેમ સામું જોવે છે’ કહી બોલાચાલી કરવા લાગ્યો હતો. ત્યારબાદ બજારમાં પડેલી ઈંટથી કાર્તિકભાઈના માથામાં હુમલો કરી ઝપાઝપી કરી હતી. આ દરમિયાન દેકારો સાંભળી કાર્તિકભાઈની માતા ભાવનાબેન તેમને છોડાવવા વચ્ચે પડતાં આરોપીએ તેમની સાથે પણ ઝપાઝપી કરી ઈંટ વડે હાથ-પગ સહિત શરીરે માર મારી ઇજા પહોંચાડી હતી. બંનેને સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે વાંકાનેર સીટી પોલીસે આરોપી ભાવીન ઉર્ફે પિન્ટુ ચાવડા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તથા જીપી એક્ટની કલમ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






