એક્ટિવા જેવા વાહન પર આવેલા શખ્સોએ જ્વલનશીલ પદાર્થ ફેંકી આગ લગાવી: કારમાં રૂ.૩૦ હજારનું નુકસાન
મોરબીના રવાપર રોડ પર આવેલી અનુપમ સોસાયટીમાં પાર્ક કરેલી બ્રેઝા કારમાં આગ ચાંપવાના બનાવમાં કારમાલિકે બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. સીસીટીવી ફૂટેજમાં બે શખ્સો આગ લગાવી એક્ટિવા જેવા વાહન પર જતા દેખાતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. હાલ એ ડિવિઝન પોલીસે અજાણ્યા બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ તેજ કરી છે.
મળતી માહિતી મુજબ, રવાપર રોડ નરસંગ ટેકરી સામે અનુપમ સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ પ્રાગજીભાઈ બોપલિયા ઉવ.૪૩ની જીજે-૩૬-એજે-૫૨૧૨ નંબરની બ્રેઝા કાર તા.૨૭ ઓક્ટોબરની રાત્રે ઘરની બહાર પાર્ક કરેલી હતી. ત્યારે મોડી રાત્રે પાડોશીએ કારમાં આગ લાગી હોવાની જાણ કરતાં પરિવારજનોએ પાણી નાખી આગ બુઝાવી હતી. આગના કારણે કારના આગળના ભાગના કાચ, પ્લાસ્ટિકની ફ્રેમ, સાઇડ પટ્ટા સહિતના ભાગોને નુકસાન થયું હતું. બાદમાં પાડોશીના ઘરના સીસીટીવી કેમેરા તપાસતાં બે અજાણ્યા શખ્સો કારમાં જ્વલનશીલ પદાર્થ ફેંકી આગ લગાવી એક્ટિવા જેવા વાહન પર જતા હોવાનું જોવામાં આવ્યું હતું. આ બનાવમાં કારમાં આશરે રૂ.૩૦ હજારનું નુકસાન થયાનું જણાવી કારમાલિકે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સીટી એ ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૨૬(એફ), ૩૨૪(૪) અને ૫૪ હેઠળ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






