બંધ ટ્રકની આગળ-પાછળ આડસ કે સિગ્નલ વગર ઉભેલ ટ્રકની પાછળ બીજા ટ્રકની ટક્કર.
મોરબી-રાજકોટ હાઈવે પર છત્તર ગામ નજીક વહેલી સવારે રોડ વચ્ચે કોઈ સિગ્નલ કે આડસ વગર ઉભો રાખેલ ટ્રક પાછળ બીજો ટ્રક ઘુસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં મૂળ બિહારના ટ્રક ચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત થયું હતું. બનાવ અંગે મૃતક ટ્રક ચાલકના પિતરાઈની ફરિયાદને આધારે ટંકારા પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
મળતી વિગત અનુસાર, ફરિયાદી રાજુભાઇ વિશ્વનાથ રાય ઉવ.૩૩ રહે.હાલ મુંદ્રા અશાપુરા સર્કલ પાસે મુંદ્રા જી.કચ્છ મુળ રહે.દિધરા ગામ તા-પરસૌના જી.સારન બિહાર વાળાએ આરોપી અશોક લેલન્ડ ટ્રક રજી. નં. જીજે-૧૦-ઝેડ-૫૭૮૮ના ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે, તેમના પિતરાઈ ભાઈ મૃતક ઉપેન્દ્રભાઈ મૂળ બિહાર રાજ્ય વતની પોતાનો અશોક લેલન્ડ ટ્રક રજી. નં. જીજે-૩૯-તી-૦૧૬૧ લઈને મુંદ્રાથી જુનાગઢ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન તા.૧૩/૦૩/૨૦૨૬ ના રોજ વહેલી સવારે છત્તર ગામ નજીક શિવમ કોલ્ડ સ્ટોરેજ સામે રોડ પર અશોક લેલન્ડ ટ્રક રજી.નં. જીજે-૧૦-ઝેડ-૫૭૮૮નો ચાલક ટ્રકને રોડની જમણી સાઇડ ડિવાઇડર પાસે કોઈપણ પાર્કિંગ લાઈટ, સિગ્નલ કે આડસ વગર બેદરકારીપૂર્વક ઉભી રાખી હતી.
અંધારામાં આગળનો ટ્રક નજરે ન પડતા ઉપેન્દ્રભાઈનો ટ્રક પાછળથી જોરદાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી અને તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. હાલ અકસ્માતના આ બનાવ અંગે ટંકારા પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તેમજ એમ.વી. એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.





