આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને મોરબી મહાનગરપાલિકાએ આગોતરા આયોજનને વેગ આપ્યો છે. શહેરમાં વરસાદી મોસમ દરમિયાન નાગરિકોને કોઈપણ પ્રકારની હાલાકી ન પડે અને આપત્તિ વ્યવસ્થાપન વધુ સુદ્રઢ બને તે માટે મેયર ઉત્તમ સુરાણીના અધ્યક્ષસ્થાને ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં ચોમાસા પૂર્વેની કામગીરીની વિસ્તૃત ચર્ચા સાથે વિવિધ વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
મોરબી મહાનગરપાલિકા ખાતે યોજાયેલી પ્રિ-મોન્સૂન કામગીરી અંગેની મહત્વપૂર્ણ બેઠકમાં ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ચોમાસા પૂર્વેની કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં ડેપ્યુટી મેયર ચિરાગ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પંડસુબિયા, દંડક જયેશભાઈ દેસાઈ, શાસક પક્ષના નેતા અર્પિતાબા જાડેજા સહિતના પદાધિકારીઓ તેમજ મહાનગરપાલિકાના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન શહેરના વિવિધ વોર્ડની હાલની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા, ડ્રેનેજ અને ગટરની સફાઈ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા, જોખમી વિસ્તારોની ઓળખ, રોડ-રસ્તાની મરામત, તાત્કાલિક પ્રતિસાદ વ્યવસ્થા અને વિભાગો વચ્ચે સંકલન સહિતના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. તમામ વિભાગોને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. મેયર ઉત્તમ સુરાણીએ જણાવ્યું હતું કે મોરબીના નાગરિકોની સુરક્ષા અને સુવિધા મહાનગરપાલિકાની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ચોમાસા દરમિયાન કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ રહે અને પ્રજાને ન્યૂનતમ હાલાકી ભોગવવી પડે તે માટે તમામ વિભાગોને સક્રિય રીતે કામગીરી કરવા આદેશ આપવામાં આવ્યા છે. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ વિવિધ વોર્ડની ભૌગોલિક સ્થિતિ અને સંભવિત પડકારોને ધ્યાનમાં રાખીને પ્રી-મોન્સૂન એક્શન પ્લાનનું સમયસર અને અસરકારક અમલીકરણ થાય તે માટે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. બેઠકના અંતે તમામ વિભાગોએ ચોમાસા પૂર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી વ્યક્ત કરી હતી.






