અંજારના સિનુગ્રા ગામની સીમમાં આવેલા સાહલ ફાર્મ પર અંજાર પોલીસે દરોડો પાડી ધાણીપાસાના જુગારધામનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 11 આરોપીઓને ઝડપી પાડી રોકડ રકમ, મોબાઈલ, વાહનો અને દારૂ સહિત કુલ રૂ.77.32 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, અંજાર પોલીસે ખાનગી બાતમીના આધારે સિનુગ્રા ગામની સીમ વિસ્તારમાં આવેલા એક ફાર્મહાઉસ પર રેઇડ કરતાં બહારથી લોકોને બોલાવી ધાણીપાસાનો જુગાર રમાડાતો હોવાનો ભેદ ખુલ્યો હતો. સ્થળ પરથી જુગાર રમતા 11 શખ્સોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી જુગારનો ગણનાપાત્ર રોકડ કેશ, 14 મોબાઈલ ફોન, ચાર વાહનો તેમજ ભારતીય બનાવટની વિદેશી દારૂની એક બોટલ મળી આવી હતી. પોલીસે કુલ રૂ.77,32,930નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં રૂ.20.81 લાખ રોકડ, રૂ.6.50 લાખના મોબાઈલ ફોન અને રૂ.50 લાખના વાહનોનો સમાવેશ થાય છે. વધુમાં એક આરોપી ભાવિન વાણીયાની પાસે પ્રતિબંધિત વિદેશી દારૂની અડધી ભરેલી બોટલ મળી આવી હતી. તેમજ તેણે કેફીપીણું લીધેલું હોવાનું પણ સામે આવ્યું છે. આ સમગ્ર મામલે જુગારધારા હેઠળ ગુનો નોંધી તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ જુગાર ક્લબ સાથે સંકળાયેલા અન્ય તત્વોની સંડોવણી અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.






