લીફ્ટ માગી અંધારી ગલીમાં લઈ જઈ ધમકી આપી લૂંટ ચલાવી, નામજોગ ફરિયાદ નોંધાઈ.
મોરબી શહેરમાં મોબાઇલ અને મની ટ્રાન્સફરની દુકાન ચલાવતા વેપારીને બે ઓળખીતાં શખ્સોએ લીફ્ટના બહાને વિશ્વાસમાં લઈ મંગલ ભુવન ગરબી ચોક નજીક અંધારી ગલીમાં લઈ જઈ છરી બતાવી લૂંટ ચલાવ્યાની ઘટના સામે આવી છે. આરોપીઓએ વેપારી પાસેથી રોકડા રૂ.૧૫ હજાર તથા અંદાજે રૂ.૫૦ હજારની કિંમતનું બાઇક લૂંટી અને ફરીયાદ ન કરવા માટે જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. હાલ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં બે શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મોરબી શહેરમાં લૂંટની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં યમુનાનગર-૨ ન્યુ શ્રધ્ધા પાર્ક નવલખી રોડ મોરબી મૂળરહે. જેરાતરા જી.સાંચોર જી.જાલોરના વતની અને સરદાર રોડ ધરતી ટાવર સામે “મહાદેવ મોબાઇલ” નામે દુકાન ધરાવતા વેપારી ભુરારામ નરશીરામ ચૌઘરીએ આરોપી દેવાસિંગ ભરતસિંગ સરદારજી રહે. લાયન્સનગર મોરબી તથા કુલદીપસિંગ ઉર્ફે કાલી સરદારજી રહે.વીસીપરા મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી કે, ફરિયાદી ભુરારામ ચૌધરી ગત તા.૨૩/૦૪ના રોજ રાત્રે દુકાન બંધ કરીને આશરે રૂ.૧૫ હજાર રોકડ સાથે પોતાના હોન્ડા સાઇન મોટરસાયકલ નં. જીજે-૦૩-ઈક્યુ-૩૮૮૧ ઉપર ઘરે જવા નીકળ્યા હતા. દરમિયાન રેલ્વે સ્ટેશન નજીકથી પરત દુકાને જતાં રસ્તામાં રેલ્વે સ્ટેશન રોડ રેનબસેરા નજીક ઉપરોક્ત બન્ને આરોપીઓ કે જેઓ ભૂરારામના જુના ગ્રાહક હોય તેઓએ બજારમાં જવાનું કહી લીફ્ટ માંગી હતી.
વજન વધારે હોવાનું કહી બાઇક આરોપી દેવસિંગે ચલાવા લઈ લીધું હતું. થોડે દુર જઈ આરોપીએ રસ્તામાં દિશા બદલી મંગલ ભુવન ગરબી નજીક અંધારી ગલીમાં લઈ જઈ મોટરસાયકલ રોકી, પાછળ બેઠેલ કુલદીપસિંગે છરી બતાવી વેપારીના ખીસ્સામાંથી વેપારના રૂ.૧૫ હજારની રોકડ અને રૂ.૫૦ હજારના બાઇકની લૂંટ કરી હતી. તેમજ ફરીયાદ ન કરવા માટે જાનથી મારી નાખવાની ધમકી આપી બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. હાલ લૂંટના આ બનાવ અંગે પોલીસે આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ. કલમ તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.





