Wednesday, June 10, 2026
HomeGujaratવાઘપર માઇનોર કેનાલમાં પાણી લીકેજથી ખેડૂતોને નુકસાન, વળતર અને તાત્કાલિક રિપેરિંગની માંગ

વાઘપર માઇનોર કેનાલમાં પાણી લીકેજથી ખેડૂતોને નુકસાન, વળતર અને તાત્કાલિક રિપેરિંગની માંગ

મોરબી જીલ્લામાં નર્મદા ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલની ડિસ્ટ્રિબ્યુટરી ડી-૨૭ હેઠળ આવેલી વાઘપર માઇનોર કેનાલમાંથી સતત પાણી લીકેજ થતા આસપાસના ખેડૂતોના ખેતરોમાં નુકસાન થયું હોવાનું જણાવતાં આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી વળતર તથા તાત્કાલિક રિપેરિંગની માંગ કરી છે.

- Advertisement -
- Advertisement -

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સમિતિના જોઈન્ટ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી મોરબી જીલ્લામાં આવેલી નર્મદાની ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલની ડિસ્ટ્રિબ્યુટરી ડી-૨૭ હેઠળની વાઘપર માઇનોર કેનાલમાં થતા પાણી લીકેજનો પ્રશ્ન ઉઠાવ્યો છે. છેલ્લા ચાર વર્ષથી કેનાલમાંથી પાણી લીકેજ થવાને કારણે નજીકના ખેડૂતોના ખેતરોમાં ભારે નુકસાન થઈ રહ્યું છે. અનેક વખત સ્થાનિક તંત્રને રજૂઆતો કરવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. કેનાલનું વર્ષોથી યોગ્ય રિપેરિંગ કરવામાં આવ્યું નથી, જેના કારણે મોંઘું પાણી મોટા પાયે બગડી રહ્યું હોવાનું પણ રજૂઆતમાં ઉલ્લેખ કરાયો છે.

કાંતિલાલ બાવરવાએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે એક તરફ પાણીનો બગાડ થઈ રહ્યો છે જ્યારે બીજી તરફ ખેડૂતો સિંચાઈ માટે પાણીની અછતનો સામનો કરી રહ્યા છે, છતાં જવાબદાર તંત્ર નિષ્ક્રિય કેમ છે. તેમણે રિપેરિંગ કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાની પણ શંકા વ્યક્ત કરી છે.

આમ આદમી પાર્ટીએ લીકેજના કારણે ખેડૂતોને થયેલ નુકસાનનું તાત્કાલિક વળતર ચૂકવવા તેમજ કેનાલનું તાત્કાલિક રિપેરિંગ કરાવવા માંગ કરી છે. સાથે જ ચીમકી ઉચ્ચારી છે કે, જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો સ્થાનિક ખેડૂતોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમજ વળતર માટે કોર્ટનો આશરો લેવાશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!