શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ ગુજરાત દ્વારા ગાંધીનગર ખાતે ૨૪ મેના રોજ વિશાળ મહા અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત, સૌરાષ્ટ્ર અને મુંબઈ સહિતના વિસ્તારોમાંથી ૬,૦૦૦થી વધુ ગોસ્વામી સમાજના લોકો ઉપસ્થિત રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
મોરબી સ્થિત શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ ગુજરાત દ્વારા ગોસ્વામી સમાજનું વિશાળ મહા અધિવેશન આગામી તા.૨૪/૦૫ના રોજ રવિવારે સવારે ૯ વાગ્યાથી બપોરે ૩ વાગ્યા સુધી ગાંધીનગર ખાતે મોઢ ભવન રાંધેજા-પેથાપુર રોડ પર યોજાનાર છે. આ અધિવેશનમાં સૌરાષ્ટ્ર, ગુજરાત અને મુંબઈના વિવિધ જીલ્લા અને તાલુકાઓમાંથી અંદાજે ૬,૦૦૦થી વધુ સમાજજનો ઉપસ્થિત રહેશે. આ મહા અધિવેશનમાં સમાજની એકતા, સંગઠન અને શક્તિનું પ્રદર્શન જોવા મળશે. કાર્યક્રમ દરમિયાન સમાજના દાતાઓ, એવોર્ડ વિજેતાઓ તથા આગેવાનોનું સન્માન કરવામાં આવશે. સાથે જ ગોસ્વામી સમાજને સરકારની વિવિધ યોજનાઓના લાભોથી વંચિત રાખવામાં આવતા હોવાના મુદ્દે તેમજ મંદિરો સાથે સંકળાયેલી દિવેલિયા જમીનના હક્ક-હિસ્સા સહિતના પ્રશ્નોને લઈને સરકાર સમક્ષ રજુઆત કરવામાં આવશે.
કાર્યક્રમમાં સંતો-મહંતો, રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પણ ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું હોવાનું આયોજકોએ જણાવ્યું છે. સમાજના આગેવાનો મનસુખપુરી રામપુરી ગોસાઈ (પરિબાપુ), ડો. મનીષગીરી કે. ગોસાઈ, અશોકગીરી મફતગીરી ગોસાઈ સહિતના આગેવાનોએ સમાજના વધુમાં વધુ લોકો ઉપસ્થિત રહે તેવી અપીલ કરી છે. મોરબી જીલ્લામાંથી પણ મોટી સંખ્યામાં સમાજજનો હાજરી આપે તે માટે ટ્રસ્ટી ગુલાબગીરી ઘેલુગીરી, રતીગીરી કેશવગીરી ગોસાઈ, તેજશગીરી મગનગીરી, મહીપતપરી શાંતુપુરી, જીલ્લા પ્રમુખ મુકેશગીરી હિરાગીરી, શહેર પ્રમુખ સુરેશગીરી બાબુગીરી સહિતના આગેવાનો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.






