કચ્છના ભચાઉ તાલુકામાં બોર્ડર રેન્જ ક્રાઈમ બ્રાન્ચે દારૂના ગેરકાયદે વેપાર સામે મોટી કાર્યવાહી હાથ ધરી 27.93 લાખ રૂપિયાના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. માટીના કોથળા નીચે અત્યંત ચતુરાઈથી સંતાડીને લાવવામાં આવી રહેલી દારૂની ખેપનો પર્દાફાશ થતાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે સમગ્ર રેકેટનો મુખ્ય સૂત્રધાર ફરાર હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, ક્રાઈમ બ્રાન્ચને ભચાઉના નાની ચિરઈ વિસ્તારમાં આવેલ સાગર સમ્રાટ ટ્રક પાર્કિંગમાં ઈંગ્લિશ દારૂનું કટિંગ અને ગેરકાયદે હેરફેર ચાલી રહી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે PSI એ.પી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સ્થળ પર દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન પોલીસે રાજસ્થાન પાસિંગ નંબર RJ-46-GA-3471 ધરાવતી ટ્રકને અટકાવી તેની તલાશી લીધી હતી. શરૂઆતમાં ટ્રકમાં 20 હજાર કિલોથી વધુ માટીના કોથળા ભરેલા જોવા મળ્યા હતા, પરંતુ ઝીણવટભરી તપાસ દરમિયાન કોથળાઓની નીચે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી 175 પેટી ઈંગ્લિશ દારૂ અને 6,720 બિયર ટીન કબજે કર્યા હતા. ઉપરાંત ટ્રક, બોલેરો વાહન અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 27.93 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન પોલીસે ઉત્તર પ્રદેશ, આસામ અને મધ્યપ્રદેશના ચાર શખ્સોની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ રાજસ્થાનમાંથી દારૂની ખેપ લઈને કચ્છમાં સપ્લાય કરવા માટે આવી રહ્યા હતા. જોકે સમગ્ર કાવતરાનો મુખ્ય સૂત્રધાર સચિનભાઈ હાલ ફરાર હોવાથી તેને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે. PSI એ.પી. વાઘેલાએ જણાવ્યું હતું કે, બાતમીના આધારે કરવામાં આવેલી રેઈડમાં ટ્રકની અંદર માટીના કોથળાઓની આડમાં દારૂ સંતાડીને હેરફેર કરવામાં આવી રહી હતી. પોલીસે ચાર આરોપીઓને ઝડપી લીધા છે અને ફરાર આરોપીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.






