વાંકાનેર તાલુકાના હસનપર ગામે અગાઉના મનદુઃખમાં સમાધાન થઇ ગયા બાદ પણ ખાર રાખી ચાર આરોપીઓએ
મહિલા સહિતના પરિવારજનો પર છરી, લોખંડના પાઇપ અને ઈંટોના ઘા ઝીંકી હુમલો કર્યાની વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
હસનપર ગામે રહેતા નિલેશભાઇ રમેશભાઇ મકવાણા (ઉ.વ.૧૯)ના ભાઈ કરણ સાથે આરોપીઓના છોકરાઓને અગાઉ માથાકૂટ થઈ હતી ત્યારબાદ આ બાબતે બન્ને પક્ષે સમાધાન પણ થયું હતું. પરંતુ આ બાબતનું વેર ઝેર રાખી મકનસર ખાતે રહેતા આરોપી અશોકભાઇ સારલા અને હસનપર ગામે રહેતા આરોપી વિશાલભાઇ રમેશભાઇ, મેરૂ નરશીભાઇ તથા સંજયભાઇ પ્રવિણભાઇ સહિતનાઓએ નિલેશભાઈના ઘર પાસે આવી બેફામ વાણી વિલાસ આચર્યો હતો જેને લઈને નિલેશભાઈના માતાએ ગાળો બોલવાની ના પાડતા આરોપીઓ લોખંડના પાઇપ વડે સાહેદ મુકેશભાઇ પર તૂટી પડયા હતા અને મુકેશભાઈને માથામાં ગંભીર ઇજા પહોચાડી હતી તથા કરણને માથાના ભાગે ઇજા પહોચાડી હતી આ ઉપરાંત ઇંટના ટુકડાના ઘા ઝીંકી ફરીયાદી નીલેશભાઈને ઇજા પહોંચાડી હતી તથા છરી વડે નિલેશભાઈના માતા ગૌરીબેનને પણ સામાન્ય ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવને પગલે નિલેશભાઈએ ચારેય આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.