મોરબી તાલુકામાં ત્રણ અને ટંકારા તાલુકામાં એક મળી ચાર અલગ-અલગ અપમૃત્યુના બનાવો નોંધાયા છે. બનાવોમાં ત્રણ વ્યક્તિએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે, જ્યારે ૯ વર્ષના બાળકનું ઉલ્ટી-ઉબકા બાદ મોત થયું હતું. પોલીસે તમામ બનાવોમાં અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં હોલો સેનેટરીના કારખાનાના ક્વાર્ટરમાં રહેતા ચંદન અરૂણભાઈ પાત્રા ઉવ.૨૫ રહે. ઘુંટુ ગામ તા. મોરબી વાળાએ કોઈ કારણોસર લેબર ક્વાર્ટરના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. હાલ પોલીસે મરણ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. બીજા અપમૃત્યુના બનાવમાં અણીયારી ગામે જયંતીલાલ લાલજીભાઈ બાવરવા ઉવ.૫૯ રહે. અણીયારી ગામ તા. મોરબી વાળાએ પત્નીની બીમારીને લઈ ચિંતામાં આવી પોતાના ઘરના રસોડામાં છતના હુક સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
જ્યારે અપમૃત્યુના ત્રીજા બનાવની મળતી વિગતો મુજબ, ઘુંટુ ગામની સીમમાં ક્રિષ્નાભાઈ રાજેશભાઈ સોલંકી ઉવ.૯ રહે. હોલો સેનેટરી કારખાનાના ક્વાર્ટર ઘુંટુ ગામની સીમ તા.જી. મોરબી વાળાને ઉલ્ટી-ઉબકા આવ્યા બાદ કોઈ કારણોસર મોત નીપજ્યું હતું. બનાવ અંગે તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત ચોથા અપમૃત્યુના બનાવમાં ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામે અનિલભાઈ રમેશભાઈ પંચોલી ઉવ.૨૫ રહે. મયુરસિંહની વાડી મોટા ખીજડીયા તા. ટંકારા મૂળ રહે. મોરટકકા ગામ, તા. પુનાશાહ, જી. ખંડવા (મધ્યપ્રદેશ) વાળાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જેથી તેઓને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હર જ્યાં તબીબે જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. હાલ ટંકારા પોલીસે અ. મોત રજીસ્ટર કરી તપાસની તજવીજ શરૂ કરી છે.






