મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં ઇદ મસ્જિદ રોડ પર આવેલા રહેણાંક મકાનમાં ચાલતી જુગારની મીની ક્લબ પર એ ડિવિઝન પોલીસે દરોડો પાડી મકાનમાલિક સહિત આઠ શખ્સોને તીનપત્તિનો જુગાર રમતા ઝડપી લીધા છે. આ સાથે પોલીસે સ્થળ પરથી રૂ.૬૨,૭૦૦/- રોકડા સહિતનો મુદ્દામાલ કબજે કર્યા છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસને ખાનગીરાહે બાતમી મળી હતી કે મચ્છીપીઠ વિસ્તારમાં જુસબભાઈ ઉર્ફે જુસો ગુલમામદભાઈ મોવર પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. આ બાતમીના આધારે પોલીસ ટીમે ગઈકાલ ૩૦ ઓક્ટોબરના રોજ સાંજે દરોડો પાડ્યો હતો. પોલીસે મકાનના પ્રથમ માળે આવેલા રૂમમાં તપાસ કરતા જ્યાં ગંજીપત્તા વડે તીનપત્તીનો રૂપિયાની હારજીતનો જુગાર રમતા મકાનમાલિક જુસબભાઈ ઉર્ફે જુસો ગુલમામદભાઈ મોવર ઉવ.૪૦ સહિત ફિરોજભાઈ મહમદહુશેનભાઈ ખોરમ ઉવ.૫૦ રહે.ઈદ મસ્જિદ રોડ ઘાંચી શેરી, પ્રફુલચંદ્ર ઉર્ફે ભુપતભાઈ વિજયશંકર પંડ્યા ઉવ.૬૮ રહે.ભક્તિનગર સર્કલ આનંદનગર મોરબી, મુનવરભાઈ મિનીવાડીયા ઉવ.૪૫ રહે. ઘાંચી શેરી મોરબી, વિપુલભાઈ દલીચંદભાઈ વરમોરા ઉવ.૪૬ રહે. આલાપ રોડ પટેલ રેસિડેન્સી સી.૩૦૧ મોરબી, ઇમરાનભાઈ ઉર્ફે ચકલી મોવર ઉવ.૩૬ રહે.ઈદ મસ્જિદ રોડ મોરબી, સલમાનભાઈ પઠાણ ઉવ.૩૧ રહે.મોરબી લાતીપ્લોટ શેરી નં.૮ અને ગીરધરભાઈ ઠાકરશીભાઈ બારૈયા ઉવ.૫૪ રામનગર સ્કાય મોલ સામે મૂળરહે. ખીજડીયા તા.ટંકારા વાળાને ઝડપી લીધા હતા.
પોલીસે સ્થળ તપાસ દરમિયાન જુગારીઓ પાસેથી કુલ રૂ.૬૨,૭૦૦/- રોકડા જપ્ત કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






