રવાપર રેસિડેન્સી નજીક પોલીસનો દરોડો, રોકડ રૂ.૬,૬૦૦/- અને બે મોબાઇલ સહિત રૂ.૨૬,૬૦૦/-નો મુદ્દામાલ કબજે.
મોરબીના રવાપર રેસિડેન્સી પાસે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાતી ટી-૨૦ ક્રિકેટ મેચમાં ફોન ઉપર રનફેર અને હારજીતનો ઓનલાઇન સટ્ટો રમતા બે શખ્સોને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે, જ્યારે સામે છેડે મોબાઇલમાં જેની સાથે જુગાર રમાતો હોય તે આરોપીને ફરાર જાહેર કર્યો છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે, રવાપર રેસિડેન્સીના ગેટ પાસે કેટલાક શખ્સો ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટી-૨૦ ક્રિકેટ મેચમાં રનફેર અને હારજીતના સોદા કરી મોબાઇલ ફોન મારફતે જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં દિપકભાઈ રાજુભાઈ બુદ્ધદેવ ઉવ.૩૨ રહે. રવાપર રેસિડેન્સી અને હુશેનભાઈ અલ્લારખાભાઈ શેખ ઉવ.૩૨ રહે. મકરાણીવાસ મોરબી વાળા મળી આવ્યા હતા.
પોલીસ તપાસમાં બંને મોબાઇલ એપ્લિકેશન મારફતે લાઇવ મેચના સ્કોરના આધારે રનફેરના સોદા કરી જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું. આ સાથે પોલીસે બંનેની અંગઝડતીમાંથી રોકડ રૂ.૬,૬૦૦/- તથા બે મોબાઇલ ફોન કિ.રૂ.૨૦,૦૦૦/- એમ કુલ રૂ.૨૬,૬૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારે પોલીસની વધુ તપાસમાં આઇડી વસીમભાઈ કઈડા રહે. મોરબી વાળા પાસેથી મેળવવામાં આવી હોવાનું ખુલતાં તે આરોપીને ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ત્રણેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી, આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






