એર વાલ્વમાં લીકેજ કરી ૮૦ મીટર દૂર ખાડામાં પાણી સંગ્રહ કરાતું હોવાનું સામે આવ્યું.
મોરબી તાલુકાના નાગડાવાસ ગામે સરકારી પીવાના પાણીની પાઇપલાઇનના એર વાલ્વ સાથે ચેડાં કરી ગેરકાયદેસર રીતે પાણી ચોરી કરી ખાડામાં પાણી એકત્રિત કરવામાં આવતું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ સાથે મોરબી તાલુકા પોલીસે જમીન માલિક સામે સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ હસ્તકની એન.સી.-૬ યોજનાની સરકારી પાણી પાઇપલાઇન સાથે ચેડાં કરી ગેરકાયદેસર રીતે પાણીની ચોરી કરી તેનો સંગ્રહ કરી ઉપયોગ કરાતો હોવાનો બનાવ સામે આવ્યો છે. જે અંગેની ફરિયાદમાં રાજકોટના રહેવાસી અને સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા વીપુલભાઈ શામજીભાઈ વેકરિયાએ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે નાગડાવાસ ગામની સીમમાં સર્વે નંબર-૫માં આવેલી પાઇપલાઇનના એર વાલ્વ નંબર-૩૫ને ડિસ્ટર્બ કરી તેમાં લીકેજ પેદા કરવામાં આવ્યું હતું.
આરોપી જમીનના માલિક મેરામભાઈ રાઠોડે લીકેજ થયેલ પાણી નજીક નિક બનાવી તેમાં પાણીને વહેતુ કરાવી ત્યાંથી આશરે ૮૦ મીટર દૂર ખાડો બનાવી પાણી એકત્રિત કરાતું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ત્યારે આ ગેરકાયદેસર કૃત્યથી સરકારી પીવાના પાણીની વ્યવસ્થાને અસર પહોંચી હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. સમગ્ર પાણી ચોરીના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ભારતીય ન્યાય સંહિતા, જાહેર સંપત્તિ નુકસાન પ્રતિબંધક કાયદો તેમજ ગુજરાત ઘરવપરાશ પાણી પુરવઠા સંરક્ષણ અધિનિયમ હેઠળ આરોપી ખેતજમીન માલીક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






