મોરબીમાં નજીવી બાબતે પાડોશીએ જ પાડોશીનું માથું ફોડી નાખ્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં મકાનમાં પાણી છાંટતી વેળાએ પાડોશમાં ઉભેલ મહિલાને પાણી ઉડતા મહિલાના દીકરાએ લોખંડના પાઇપનો એક ઘા આધેડને મારતા આધેડને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના વણકર વાસ શેરી નં.૧ ખાતે રહેતા મનોજભાઇ નાનજીભાઇ ગોહેલ ગઈકાલે સવારના સમયે પોતાના મકાનમાં પાણી છાંટતા હોય ત્યારે ભાનુબેન ચંદુભાઈ નગેવાડીયા તથા મૌલીક ચંદુભાઈ નગેવાડીયા (રહે. બંન્ને વણકર વાસ શેરી નં.૧ મોરબી) નામના આરોપીઓએ પાણી ઉડે છે. તેમ બહાનુ બતાવીને ભાનુબેને આધેડ ફરિયાદી સાથે બોલાચાલી કરી ભુંડાબોલી ગાળો આપી તથા તેના દીકરા મૌલીકે આધેડને ભુંડાબોલી ગાળો આપી પોતાના હાથમાં રહેલ લોખંડના પાઇપનો એક ઘા ફરિયાદીના માથાના ભાગે મારી ઇજા કરી તથા બીજો એક ઘા ફરિયાદીના વાસાના ભાગે મારી મૂંઢ ઇજા કરતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.