૨૪ કલાક બાદ પણ પાણી ન ઉતરતાં સેન્ટ મેરી ફાટક પાસે મોરબી-નવલખી રોડ બંધ કર્યો: ૨૦૦થી વધુ મકાનો પ્રભાવિત.
મોરબીમાં ભારે વરસાદ બાદ લાયન્સનગર વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાઈ રહેતાં અને પાણીનો નિકાલ ન થતાં સ્થાનિકોએ સેન્ટ મેરી ફાટક નજીક મોરબી-નવલખી મુખ્ય માર્ગ પર ચક્કાજામ કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે અધિકારીઓએ સ્થળ પર પહોંચી તાત્કાલિક કાર્યવાહી અને પ્રશ્નના ઉકેલની ખાતરી આપતા સ્થાનિકોએ ચક્કાજામ સમેટી લીધો હતો.
મોરબીમાં ભારે વરસાદ બાદ લાયન્સનગર વિસ્તારમાં છેલ્લા અનેક દિવસોથી પાણી ભરાયેલા રહેતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો. વરસાદ બંધ થયાના ૨૪ કલાકથી વધુ સમય વીતી જવા છતાં તેમજ છેલ્લા છ દિવસથી લોકો હેરાનગતિ ભોગવી રહ્યા હોવા છતાં પાણીનો નિકાલ ન થતાં આક્રોશિત રહેવાસીઓએ સેન્ટ મેરી ફાટક પાસે મોરબી-નવલખી મુખ્ય માર્ગ પર ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો પણ જોડાયા હતા. સ્થાનિકોએ મહાનગરપાલિકા તંત્ર સામે ‘મહાનગરપાલિકા હાય હાય’ના નારા લગાવી તંત્રની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ ઘરો, ગલીઓ, રસોડાં અને શૌચાલયોમાં પાણી ભરાઈ જતાં સામાન્ય જનજીવન ઠપ્પ બની ગયું છે. લોકો રાશન કે શાકભાજી લેવા પણ બહાર નીકળી શકતા નથી, જ્યારે નાના બાળકો શાળાએ જઈ શકતા નથી.
સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે ગંદા પાણીના કારણે ઝેરી સાપ અને અન્ય જીવજંતુઓ ઘરોમાં ઘૂસી રહ્યા છે, જેના કારણે પરિવારજનોના જીવને જોખમ ઊભું થયું છે. પાણી ભરાયેલા હોવાથી ૧૦૮ એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી સેવાઓ પણ વિસ્તારમાં પહોંચી શકતી નથી. તાજેતરમાં એક બીમાર બાળકને પાણીમાંથી હાથમાં ઊંચકીને બહાર લાવવાની ફરજ પડી હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું. લાયન્સનગરના આશરે ૨૦૦થી વધુ મકાનો આ સમસ્યાથી પ્રભાવિત થયા હોવાનું જણાવાયું છે. દર વર્ષે ચોમાસામાં આવી જ પરિસ્થિતિ સર્જાય છે. તેમણે તાત્કાલિક જેસીબી અથવા પંપ દ્વારા પાણીનો નિકાલ કરવા તેમજ વિસ્તારનું યોગ્ય મેપિંગ અને લેવલિંગ કરીને કાયમી ડ્રેનેજ વ્યવસ્થા ઉભી કરવાની માંગ કરી હતી.
ચક્કાજામના કારણે નવલખી રોડ પરથી મોરબી શહેરમાં પ્રવેશતા મુખ્ય માર્ગ પર બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ચક્કાજામની જાણ થતાં સિટી મામલતદાર, મહાનગરપાલિકાના અધિકારીઓ, સ્થાનિક કોર્પોરેટરો, ટ્રાફિક પોલીસ અને બી-ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. અધિકારીઓએ સ્થાનિકોની રજૂઆતો સાંભળી તેમના વિસ્તારની મુલાકાત લીધી હતી. પાણીના નિકાલ સહિત પ્રશ્નના સત્વરે ઉકેલ માટે કામગીરી કરવાની ખાતરી આપવામાં આવતા સ્થાનિકોએ ચક્કાજામ સમેટી લીધો હતો.






