રક્તદાતાઓનો અભૂતપૂર્વ ઉત્સાહ, બ્લડ બેંકનો સામાન ખૂટી પડતાં અનેક દાતાઓ વેઇટિંગમાં, વધુ એક દિવસ કેમ્પ લંબાવાયો.
મોરબીના જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલન દરમિયાન અનોખી રીતે વિરોધ નોંધાવવા માટે આયોજિત રક્તદાન કેમ્પને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ અંદાજે ૫,૫૫૧ બોટલથી વધુ રક્ત એકત્રિત થયું છે. રક્તદાતાઓની ભારે ભીડને કારણે બ્લડ બેગ અને અન્ય જરૂરી સામગ્રી ખૂટી પડતાં અનેક લોકોને રક્તદાન કર્યા વિના પરત ફરવું પડ્યું હતું. જેના પગલે ગ્રામજનોએ આજરોજ ગુરુવારે પણ કેમ્પ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.
મોરબી તાલુકાના જેતપર ગામે ખેડૂતોની વિવિધ માંગણીઓને લઈને ચાલી રહેલા આંદોલન વચ્ચે એક અનોખો અને માનવતાભર્યો કાર્યક્રમ યોજાયો હતો. આંદોલનના ભાગરૂપે ગામના આગેવાનો અને ગ્રામજનોએ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું, જેને લોકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. ખેડૂતો, યુવાનો, સામાજિક કાર્યકરો તેમજ વિવિધ વિસ્તારોમાંથી આવેલા રક્તદાતાઓ મોટી સંખ્યામાં કેમ્પમાં જોડાયા હતા. દિવસભર અને મોડી રાત્રિ સુધી ચાલેલા આ કેમ્પમાં રક્તદાન કરવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કેમ્પ દરમિયાન અંદાજે ૫,૫૫૧ બોટલથી વધુ રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે, હજુ ગણતરી ચાલુ હોય.
રાત્રિના સમયે રક્તદાતાઓનો ધસારો એટલો વધી ગયો હતો કે બ્લડ બેંક પાસે ઉપલબ્ધ બ્લડ બેગ, સોય અને અન્ય જરૂરી તબીબી સામગ્રી ખૂટી પડી હતી. પરિણામે રક્તદાન કરવા આવેલા અનેક લોકોને પરત ફરવું પડ્યું હતું. આ સ્થિતિ અંગે જેતપરના ગ્રામજનોએ રક્તદાતાઓની જાહેરમાં માફી માંગી હતી અને જણાવ્યું હતું કે અપેક્ષા કરતાં અનેકગણો વધારે પ્રતિસાદ મળતા સામગ્રીની અછત સર્જાઈ હતી. આયોજકોના જણાવ્યા મુજબ હજુ પણ મોટી સંખ્યામાં રક્તદાતાઓના નામ વેઈટિંગમાં છે અને ઘણા લોકો રક્તદાન કરવા આતુર છે. રક્તદાતાઓના આ ઉત્સાહ અને સેવાભાવને ધ્યાનમાં રાખીને ગ્રામજનોએ આ રક્તદાન કેમ્પ આજરોજ પણ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. જે ખેડૂત ભાઈઓ અને અન્ય રક્તદાતાઓ બુધવારે જરૂરી સામગ્રીના અભાવે રક્તદાન કરી શક્યા નહોતા, તેઓ આજે ગુરુવારે કેમ્પમાં આવીને રક્તદાન કરી શકશે.






