પતિ બહારગામ નોકરી કરતા હોવાથી મહિલા બાળકો સાથે ઘરે એકલી રહેતી હોવાનો લાભ લઈ અણછાજતું વર્તન.
મોરબીના બાયપાસ નજીક આનંદનગર પાસે આવેલી સોસાયટીમાં રહેતી એક પરિણીતાને પડોશમાં રહેતા યુવકે સંબંધ રાખવા દબાણ કરી પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. પરિણીતાએ સંબંધ રાખવાનો ઇનકાર કરતાં યુવકે ધમકી આપી હોવા અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ભોગ બનનાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા.૧૯ નવેમ્બરના રોજ રાત્રિના આશરે આઠ વાગ્યે પરિણીતા પોતાના ઘરની બાલ્કનીમાં કપડાં સુકવવા ગઈ હતી. તે દરમિયાન બાજુમાં રહેતા સાગરભાઈ જારીયાએ તેને ઈશારો કરતા તે બાબતે ધ્યાન ન આપતા બાદમાં આરોપી સાગર જારીયા પોતાના મકાનની સીડી ચડીને પરિણીતાને સ્કૂટીની મદદની વાત કરી હતી. મહિલાએ મદદની જરૂર ન હોવાનું જણાવતાં યુવકે તેની સાથે સંબંધ રાખવાની વાત કરી હતી અને છતના પાછળના ભાગે આવવા કહ્યું હતું. મહિલાએ સ્પષ્ટ ઇનકાર કરતાં યુવકે તેના ઘરમાં કોઈ પુરુષ ન હોવાથી તે બાળકો સાથે એકલી રહે છે તેમ કહી સંબંધ નહીં રાખે તો તેના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બનાવ અંગે મહિલાએ બીજા દિવસે પોતાના પરિવારજનોને જાણ કરી હતી. ત્યારબાદ સગા દ્વારા યુવકને સમજાવવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તે ઉશ્કેરાઈને ઝઘડો કરવા લાગ્યો હતો. અંતે મહિલાએ પોતાના પરિવારના સભ્ય સાથે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૭૯ અને ૩૫૧(૩) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






