મોરબી જિલ્લામાં ગેરકાયદેસર ખનિજ સંગ્રહ સામે ખાણ-ખનિજ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા કલેક્ટરના સરપ્રાઈઝ ચેકિંગ બાદ હાથ ધરાયેલી તપાસમાં એ.જે. માઈક્રોન્સની બે અલગ-અલગ પેઢીઓમાં મોટા પાયે ફેલ્સપાર ખનીજનો બિનઅધિકૃત સંગ્રહ મળી આવતા કુલ રૂ. 2.63 કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી ખનિજ ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે.
ગત 28 મેના રોજ જિલ્લા કલેક્ટર સ્વપ્રિલ ખરેએ ખાણ-ખનિજ વિભાગની ટીમ સાથે કંડલા બાયપાસ રોડ પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. ધરમપુર નજીક પસાર થતા એક વાહનને અટકાવી તપાસ કરતાં તેમાં ફેલ્સપાર ખનીજ મળી આવ્યું હતું. પ્રાથમિક તપાસના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી હતી અને ટીંબડી ગામના સર્વે નં. 41/1 અને 42/1 ખાતે આવેલી A & J Microns (Bharat) Pvt. Ltd. કંપનીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ડાયરેક્ટર પાર્થભાઈ ઘેટીયાની હાજરીમાં 46,751.3 મેટ્રિક ટન ફેલ્સપાર ખનીજનો ગેરકાયદેસર સંગ્રહ મળી આવ્યો હતો. આ જથ્થો રજીસ્ટ્રેશન વિના સંગ્રહ કરાયો હોવાનું સામે આવતા સમગ્ર જથ્થો સીઝ કરી દેવામાં આવ્યો હતો.
મોરબી જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીએ ગુજરાત મિનરલ્સ રૂલ્સ 2017ના ભંગ બદલ આ પેઢીને પ્રતિ મેટ્રિક ટન રૂ. 280 મુજબ રૂ. 1,30,90,364 તથા 21 ટકા પર્યાવરણીય નુકસાન વળતર તરીકે રૂ. 27,48,977 સહિત કુલ રૂ. 1,58,39,341નો દંડ ફટકાર્યો છે. તપાસ દરમિયાન ધરમપુર વિસ્તારમાં જ સર્વે નં. 71, 72 અને 74 પૈકી આવેલી એ.જે. માઈક્રોન પ્રાઈવેટ લિમિટેડના અન્ય યુનિટમાં પણ ગેરકાયદેસર રીતે 31,014.27 મેટ્રિક ટન ફેલ્સપાર ખનિજનો વધારાનો જથ્થો મળી આવ્યો હતો. મહત્વની વાત એ છે કે આ સ્થળે અગાઉ સ્ટોક રજિસ્ટ્રેશન રદ કરાવ્યું હોવા છતાં ખનિજ સંગ્રહ ચાલુ રાખવામાં આવ્યો હતો. જેના આધારે ખનિજ વિભાગે પ્રતિ મેટ્રિક ટન રૂ. 280 પ્રમાણે રૂ. 86,83,996 તથા પર્યાવરણીય નુકસાન વળતર પેટે રૂ. 18,23,640નો દંડ ફટકારી કુલ રૂ. 1,05,07,636ની વસૂલાતનો આદેશ કર્યો છે. બંને કેસમાં કુલ રૂ. 2,63,46,977નો દંડ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડમાં જમા કરાવવા આદેશ આપવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરના સીધા હસ્તક્ષેપ બાદ થયેલી આ કાર્યવાહીએ મોરબીના ખનિજ ઉદ્યોગમાં ચકચાર મચાવી છે અને ગેરકાયદેસર ખનિજ સંગ્રહ સામે તંત્રનો કડક સંદેશ આપ્યો છે.






