મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં બે કરોડના ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે સંકળાયેલા ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને રાજકોટ રેન્જ પોલીસની ટીમે ઝડપી પાડ્યો છે. આરોપી સામે અગાઉથી જ હત્યા, હત્યાના પ્રયાસ, મારામારી અને પ્રોહિબિશન સહિતના કુલ 19 ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) ના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તે અંતર્ગત રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, સી.એમ. કાંટેલિયા અને તેમની ટીમ દ્વારા હ્યુમન સોર્સ તથા ટેક્નિકલ એનાલિસિસના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝડપાયેલ બે કરોડના દારૂ અંગે નોંધાયેલા ગુનામાં વોન્ટેડ આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઈ બાંભણિયાને સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીકથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ચોટીલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હિતેશ ઉર્ફે વાંગો સામે અગાઉ કુલ 19 ગુનાઓ નોંધાયેલા છે. જેમાં બે હત્યાના કેસ, બે હત્યાના પ્રયાસ, એક ધાડ પાડવાની તૈયારી, છ મારામારીના ગુના, બે બગાડના ગુના તેમજ ચાર પ્રોહિબિશન સંબંધિત ગુનાઓનો સમાવેશ થાય છે. ઉપરાંત એક જાહેરનામા ભંગ અને એક કેફી પ્રવાહી પીધાનો ગુનો પણ નોંધાયેલ છે.
આરોપી સામે છેલ્લો શરીર સંબંધી ગંભીર ગુનો વર્ષ 2024માં જામનગરના પંચ-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો નોંધાયો હતો, જ્યારે પ્રોહિબિશનનો છેલ્લો ગુનો વર્ષ 2023માં જામનગર સિટી બી ડિવિઝન વિસ્તારમાં નોંધાયો હતો.
આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલ, પી.એસ.આઈ. પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, સી.એમ. કાંટેલિયા, પી.સી. સરતેજા સહિત સંદીપસિંહ ઝાલા, કાસમભાઈ બ્લોચ, કમલેશભાઈ રબારી, મિતેશભાઈ પટેલ, નરેન્દ્રસિંહ રાઠોડ, આશાબેન પટેલ અને બલદેવસિંહ વીરદી સહિતનો સ્ટાફ જોડાયો હતો.






