Tuesday, May 19, 2026
HomeGujaratવીજકાપ અને ડીઝલની અછતથી મોરબી સિરામિક ઉદ્યોગ સંકટમાં, ફેક્ટરીઓ ફરી બંધ થવાની...

વીજકાપ અને ડીઝલની અછતથી મોરબી સિરામિક ઉદ્યોગ સંકટમાં, ફેક્ટરીઓ ફરી બંધ થવાની ભીતિ

મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલ બેવડી મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. સતત વીજકાપ અને ડીઝલની અછતને કારણે અનેક ફેક્ટરીઓમાં ઉત્પાદન પર ગંભીર અસર પડી રહી છે. મનોજ એરવાડિયાએ સરકાર અને PGVCL સમક્ષ તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે, જો સ્થિતિ યથાવત રહેશે તો ઉદ્યોગો ફરી બંધ થવાની સ્થિતિ સર્જાઈ શકે છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી મુજબ, મોરબીના સિરામિક ઉદ્યોગકારો છેલ્લા કેટલાક દિવસોથી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને પીપળી રોડ અને માંડલ રોડ વિસ્તારમાં આવેલા ઉદ્યોગો પર સૌથી વધુ અસર જોવા મળી રહી છે. મનોજ એરવાડિયા એ જણાવ્યું હતું કે, જેતપરની 220 KV લાઈનમાંથી 66 KV તરફ આવતી રંગપર બાજુની કેબલમાં બ્લાસ્ટ થતા 12 કલાકથી વધુ સમય સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો. ત્યારબાદ ફરી એ જ કેબલમાં ખામી સર્જાતા ઉદ્યોગોને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. સિરામિક ઉદ્યોગ સતત પ્રોડક્શન પર આધારિત હોવાથી એક મિનિટનો પાવર કાપ પણ હજારો રૂપિયાનું નુકસાન કરાવે છે. તેમ છતાં દિવસ દરમિયાન 2 થી 4 વખત એકથી દોઢ કલાક સુધી વીજ પુરવઠો બંધ રહે છે અને ઘણી વખત પાંચ કલાક સુધી પણ વીજળી મળતી નથી. જેના કારણે મશીનો, કિલ્ન અને ઉત્પાદન પ્રક્રિયા પર સીધી અસર પડી રહી છે.

PGVCL અંગે ઉદ્યોગકારોએ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મોરબીનો સિરામિક ઉદ્યોગ PGVCL ની કુલ આવકમાં 30 ટકા કરતાં વધુ યોગદાન આપે છે અને મોટા ભાગની ફેક્ટરીઓ HT કનેક્શન ધરાવે છે. તેમ છતાં સ્થાનિક કચેરીથી લઈને રાજકોટના MD અને ગાંધીનગર સુધી અનેક રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. પ્રી-મોનસૂન મેન્ટેનન્સના અભાવે નાના ફોલ્ટમાં પણ આખા ફીડરો બંધ કરવાની ફરજ પડે છે. બીજી તરફ છેલ્લા ચારથી પાંચ દિવસથી મોરબીમાં ડીઝલની ભારે અછત ઊભી થઈ છે. વીજકાપ દરમિયાન જનરેટર ચલાવવા માટે ડીઝલ અનિવાર્ય બને છે, પરંતુ બેરલમાં પૂરતું ડીઝલ ઉપલબ્ધ નથી. ઉપરાંત ફેક્ટરીઓમાં લોડિંગ-અનલોડિંગ માટે ઉપયોગમાં લેવાતા ફોર્કલિફ્ટ, લોડર અને ટ્રેક્ટર જેવા વાહનો પણ ડીઝલના અભાવે બંધ થવાની સ્થિતિમાં છે. જેના કારણે ઉત્પાદન પ્રક્રિયા વધુ ખોરવાઈ રહી છે.

મનોજ એરવાડિયા એ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અગાઉની પરિસ્થિતિઓને કારણે ઉદ્યોગો દોઢ મહિના સુધી બંધ રહ્યા હતા. ત્યારબાદ મહેનત કરીને મજૂરોને પાછા બોલાવી ફેક્ટરીઓ શરૂ કરવામાં આવી હતી, પરંતુ હવે વીજકાપ અને ડીઝલની સમસ્યાઓ ફરી ઉદ્યોગને સંકટમાં મૂકી રહી છે. જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો ફરી ફેક્ટરીઓ બંધ કરવાની નોબત આવી શકે છે અને મજૂરો પણ પાછા વતન તરફ જવા મજબૂર બનશે. અંતમાં મોરબી સિરામિક એસોસિયેશન દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે કે સિરામિક ઉદ્યોગોને બચાવવા માટે સ્પેશિયલ કેટેગરી હેઠળ પૂરતો ડીઝલ જથ્થો ફાળવવામાં આવે તેમજ PGVCL દ્વારા યોગ્ય મેન્ટેનન્સ કરીને નિયમિત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે, જેથી હજારો લોકોની રોજગારી અને ઉદ્યોગ બંને બચી શકે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!