Saturday, July 18, 2026
HomeGujaratમોરબી કલેક્ટરે સંકલન બેઠકમાં જનહિતના પ્રશ્નો અને પ્રગતિના વિકાસ કામોની સમીક્ષા કરી

મોરબી કલેક્ટરે સંકલન બેઠકમાં જનહિતના પ્રશ્નો અને પ્રગતિના વિકાસ કામોની સમીક્ષા કરી

રોડ રિપેરિંગ, વરસાદી પાણી-ગંદકીનો નિકાલ, રમતનું મેદાન અને રેલવે ઓવરબ્રિજ સહિતની રજૂઆતો બાબતે હકારાત્મક અભિગમ સાથે ચર્ચા વિચારણા કરાઈ.

- Advertisement -
- Advertisement -

કલેક્ટરે iORA પોર્ટલ પર જમીન માંગણીની અરજીઓ અંગે આપી જરૂરી સૂચનાઓ.

મોરબી જીલ્લામાં સરકારી સેવાઓ વધુ સુદ્રઢ, ઝડપી અને લોકાભિમુખ બને તે હેતુથી જીલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં કલેક્ટરે વહીવટી પ્રક્રિયાને વધુ વેગ આપવા માટે ‘ઈ-સરકાર’ના અસરકારક અમલીકરણની સમીક્ષા કરી હતી અને વિવિધ વિભાગોમાં પેન્ડિંગ રહેલી ફાઈલોનો ત્વરિત નિકાલ કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત, વિવિધ સરકારી અને જનકલ્યાણના વિકાસલક્ષી કામો માટે જરૂરી જમીનની માપણી અને ફાળવણી માટે iORA પોર્ટલ પર મળેલી અરજીઓની વર્તમાન સ્થિતિની સઘન સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ સંકલન બેઠકમાં લોકસુખાકારી અને આંતરમાળખાકીય સુવિધાઓને લગતા અગત્યના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા હાથ ધરાઈ હતી. જેમાં ચોમાસાના વરસાદી પાણીનો નિકાલ, ગંદકીની સમસ્યાનું નિવારણ, રમત-ગમતનું નવું મેદાન બનાવવા તેમજ રેલવે ઓવરબ્રિજની મંજૂરી અંગે સકારાત્મક વિચારણા કરવામાં આવી હતી. આ સાથે જ, ઔદ્યોગિક વિકાસ અર્થે મીઠા અને બ્રોમીનના ઉત્પાદન માટે જમીનની માંગણી અંગેની રજૂઆતોની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. મોરબી-હળવદ રોડ અને રવાપર-ઘુનડા-જડેશ્વર નવા રોડ પર થયેલા નુકસાન અને તે રસ્તાઓના રિપેરિંગ અંગે રજૂ થયેલા પ્રશ્નોની નોંધ લઈ કલેક્ટરે અગ્રતાના ધોરણે આ માર્ગોનું સમારકામ હાથ ધરવા સહિતની સૂચનાઓ સબંધિત વિભાગને આપી હતી.

આ સંકલન બેઠકની સાથે-સાથે જીલ્લામાં જાહેર વિતરણ વ્યવસ્થા વધુ પારદર્શક અને સુદ્રઢ બને તે માટે કલેક્ટરની ઉપસ્થિતિમાં ‘જીલ્લા પુરવઠા સલાહકાર સમિતિ’ ની બેઠક પણ યોજાઈ હતી. જેમાં સસ્તા અનાજની દુકાનો દ્વારા કાર્ડધારકોને અપાતા રાશન, વિતરણ વ્યવસ્થાની ગુણવત્તા તથા પીએમ પોષણ યોજનાની કામગીરી સહિતની બાબતે હકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠકમાં યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળના કામો તથા અન્ય મહત્વના પ્રવાસન સ્થળોના વિકાસ કામોની સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જીલ્લા પંચાયત પ્રમુખ ગીતાબેન દુબરીયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, જીલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, જીલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક ડૉ. સુનિલ બેરવાલ, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી, મોરબી પ્રાંત અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, મામલતદારો, ચીફ ઓફિસરો સહિત જીલ્લાના વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!