મોરબી તાલુકા પોલીસને જાણ કરી બે શખ્સો અને વાહન સોંપાયું: પશુઓને પાંજરાપોળમાં ખસેડાયા
મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ, હિન્દુ યુવા વાહિની સહિતના ગૌરક્ષક સંગઠનોએ બાતમીના આધારે માળીયા નજીક એક પિકઅપ વાહન રોકી ૧૦ પશુઓને કતલખાને લઈ જવાતા બચાવ્યા હતા. જે બાદ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે પીકઅપના ચાલક સહિત બન્ને આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, આજરોજ તા.૦૭/૦૮ની વહેલી સવારે કચ્છ તરફથી માળીયા-હળવદ માર્ગે અમદાવાદ તરફ જઈ રહેલા એક ટાટા પીકઅપ રજી.નં. જીજે-૦૬-ઝેડઝેડ-૨૫૩૩ વાહનમાં પશુઓને ક્રૂરતાપૂર્વક બાંધી કતલખાને લઈ જવાતા હોવાની મોરબી ગૌ રક્ષકોને બાતમી મળી હતી. જેના આધારે ગૌરક્ષકોએ માળીયા વિસ્તારમાં વોચ ગોઠવી હતી. બાતમી મુજબનું વાહન આવતા તેનો પીછો કરી અણિયારી ચોકડી પાસે રોકી તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન વાહનમાં અંદાજે ૧૦ પશુઓ દોરડાથી બાંધેલી હાલતમાં મળી આવ્યા તેમજ પશુઓ માટે ઘાસ-પાણીની પૂરતી વ્યવસ્થા પણ રાખવામાં આવી ન હતી.પકડાયેલ પીકઅપ વાહનનામાંથી ચાલક સહિત બે આરોપીઓ અકબર અમદભાઇ સૈયદ (રહે.જુહાપુરા વેજલપુર અમદાવાદ) ,ઈમ્તિયાઝ અજીજભાઈ મેમણ (રહે. દાણીલીમડા,ચાર માળિયા ગરીબ યોજનાના મકાન,અમદાવાદ) ઝડપાયા હતા જેઓની પૂછપરછ દરમિયાન વાહન કચ્છના અંજાર વિસ્તારમાંથી ભરાયું હોવાનું અને અમદાવાદ તરફ લઈ જવાઈ રહ્યું હોવાનું સામે આવ્યું હતું. જેથી બાદમાં સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.પોલીસે બે શખ્સો અને વાહનને કબજે લઈ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે બચાવાયેલા પશુઓને મોરબી પાંજરાપોળમાં ખસેડવામાં આવ્યા હતા.







