થાનગઢ ખાતે યોજાયેલી દ્વિદિવસીય બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા વિવિધ હોદ્દાઓની જાહેરાત, મોરબી જીલ્લાના પાંચ કાર્યકર્તાઓને મહત્વના દાયિત્વ સોંપાયા.
મોરબી: થાનગઢના શ્રી જોગધ્યાનપુરા આશ્રમ ખાતે યોજાયેલી વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતની દ્વિદિવસીય બેઠકમાં મોરબી જીલ્લાના પાંચ કાર્યકર્તાઓને વિવિધ સંગઠનાત્મક જવાબદારીઓ સોંપવામાં આવી હતી. ત્યારે આ તકે જીલ્લા પરિવાર દ્વારા તમામ નવનિયુક્ત કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતની દ્વિદિવસીય બેઠક તા. ૧ અને ૨ ઑગસ્ટ દરમિયાન થાનગઢ સ્થિત શ્રી જોગધ્યાનપુરા આશ્રમ ખાતે યોજાઈ હતી. બેઠક દરમિયાન સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવા માટે વિવિધ હોદ્દાઓ પર નવી નિમણૂકો જાહેર કરવામાં આવી હતી. આ નિમણૂકોમાં મોરબીના આશિષસિંહ અનોપસિંહ જાડેજાને વિહિપ-બજરંગદળ સુરેન્દ્રનગર વિભાગના સહ સંયોજક, તેજલબેન યશવંતભાઈ કંજારિયાને વિહિપ-દુર્ગાવાહિની સુરેન્દ્રનગર વિભાગ સંયોજીકા, હળવદ પ્રખંડના પરેશભાઈ મુગટલાલ રાવલને વિહિપ મોરબી જીલ્લા મંત્રી, મોરબીના દેવાંગીબેન નરેશભાઈ વ્યાસ તથા ટંકારા પ્રખંડની માનસીબેન જયેશભાઈ સોલંકીને વિહિપ-દુર્ગાવાહિની મોરબી જીલ્લા સહ સંયોજીકા તરીકે નવનિયુક્ત કરવામાં આવ્યા છે.
વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા પરિવારે તમામ નવનિયુક્ત કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવી વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેઓ સમર્પણ, નિષ્ઠા અને સેવાભાવથી પોતાની જવાબદારીઓનું સફળતાપૂર્વક નિર્વહન કરી સંગઠનને વધુ સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.






