બીજી વખત ચોરી કરવા આવેલા બે શખ્સોને મંદિર-પરિવારના સભ્યોએ ઝડપી પોલીસને સોંપ્યા.
મોરબીના નાગનાથ શેરી વિસ્તારમાં આવેલ દશાશ્રીમાળી વણીક કુટુંબના ખોડિયાર માતાજીના મઢમાં દાનપેટી તોડી અંદાજે રૂ.૫૦ હજારની ચોરી કરનાર બે આરોપીઓને મંદિર-પરિવારના કુટુંબી સભ્યોએ વોચ ગોઠવી ઝડપી પાડ્યા હતા. હાલ એ ડિવિઝન પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના દરબારગઢ નજીક નાગનાથ શેરીમાં આવેલ દશાશ્રીમાળી વણીક કુટુંબના ખોડિયાર માતાજીના મંદિરમાં ગત તા. ૫ મેના રોજ દાનપેટીનું તાળું તોડી અંદાજે રૂ.૫૦ હજારની ચોરી કરવામાં આવી હતી. બનાવ બાદ મંદિરના કુટુંબના સભ્યોએ વોચ ગોઠવી હતી. દરમિયાન તા.૧૦ મેના રોજ ફરીવાર મંદિર ખાતે શંકાસ્પદ રીતે આવતા બે શખ્સો દાનપેટી સાથે ચેડાં કરતા ઝડપાઈ ગયા હતા. પૂછપરછમાં આરોપીઓએ અગાઉની ચોરી કબૂલી હોવાનું સામે આવ્યું હતું. જેથી તુરંત પોલીસમાં જાણ કરતા, પોલીસ ઘટના સ્થળે પહોંચી, આરોપી ઋત્વિકભાઈ ઉજેશભાઈ જોષી રહે. ગ્રીનચોક કડિયા શેરી મોરબી તથા વરૂણ મનસુખભાઈ ડોડીયા રહે. નાગનાથ શેરી મોરબી વાળા સામે બીએનએસ કલમ ૩૦૫(એ) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






