મોરબી જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં પ્રસરતી જતી જુગારની બદીને ડામવા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના પગલે ગઈકાલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ત્રાજપર ગામ અવેળા પાસેથી બે ઈસમોને જાહેરમાં જુગાર રમતા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવીઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, ત્રાજપર ગામ અવેળા પાસેના ભાગે રોડ ઉપર બે ઈસમો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી જાહેરમાં જુગાર રમતા દિપકભાઇ રમેશભાઇ સનુરા (રહે.ત્રાજપર ચોરાવાળી શેરી મોરબી-૨) તથા કિશનભાઇ રાજેશભાઇ દુદકિયા (રહે.ત્રાજપર ચોરાવાળી શેરી મોરબી-૨) નામના શખ્સોને પકડી પાડી તેમની પાસેથી પોલીસે રોકડા રૂ.૫૪૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અને બંને વિરુદ્ધ જુગારધારા કલમ.૧૨ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.