માળીયા તાલુકાના ખાખરેચી ગામની સીમમાં આવેલી ફેક્ટરીની લેબર કોલોનીમાં રહેતી ૧૯ વર્ષીય પરિણીતાએ પતિ સાથે થયેલી સામાન્ય બોલાચાલી બાદ મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માળીયા તાલુકાના ખાખરેચી ગામની સીમમાં આવેલી એક્ઝીશન ફેક્ટરીની લેબર કોલોનીમાં રહેતી રાખીસિંહ નેત્રસિંહ રામપ્રતાપસિંહ ગોંડ ઉવ-૧૯ મુળ રહે.દેવડીગામ એમ.પી. વાળાએ ગત તા.૫ જુલાઈના રોજ પોતાના રૂમમાં ચુંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં પતિ નેત્રસિંહ ગોંડ પાસેથી મેળવેલ વિગત મુજબ, નેત્રસિંહે તેની પત્નીને બે ત્રણ વાર જમવાનુ કાઢવાનુ કહેતા જમવાનુ પીરસેલ નહિ અને મોબાઈલ જોતી હોય જેથી નેત્રસિંહે ગુસ્સામાં આવી પત્ની સાથે સામાન્ય બોલાચાલી કરી પત્નીના હાથમાંથી મોબાઇલ લઈને તોડી નાખેલ ત્યારબાદ તેઓ સૂઈ ગયા હતા અને આ દરમિયાન પત્ની રાખીસિંહે રૂમ અંદરથી બંધ કરી લોખંડની એંગલ સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. વધુમાં બે માસ પૂર્વે મૃતકના લગ્ન થયા હોવાનું પણ જણાવ્યું હતું. હાલ પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.






