“ખેતર ખાલી કરો” કહી લાકડાના ધોકા અને ઢીકાપાટુથી મારકૂટ, જાનથી મારી નાખવાની ધમકી.
હળવદ તાલુકાના મયાપુર ગામે જમીન વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં દંપતી પર હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. આરોપીઓએ “આ ખેતર અમારું છે” કહી દંપતીને ખેતર ખાલી કરવા દબાણ કર્યું હતું. ત્યારે ખેડૂત દ્વારા જમીન અંગે કોર્ટ કેસ ચાલે છે તેમ કહી જમીન ખાલી કરવા ઇન્કાર કરતાં, આરોપીઓએ ગાળો આપી લાકડાના ધોકા અને ઢીકાપાટુથી મારકૂટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનામાં પતિ-પત્ની બન્નેને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. હાલ પોલીસે છ શખ્સો સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, બળદેવભાઈ કણઝરીયા ઉવ.૫૦ રહે. મયાપુર તા. હળવદ વાળા ગઈકાલ તા.૧૭ના રોજ મયાપુર ગામની સીમમાં આવેલી “ગામોટીયું” નામની વાડી ખાતે પોતાની પત્ની રમીલાબેન સાથે ખેતીકામ કરી રહ્યા હતા ત્યારે આરોપી દિલીપભાઈ ધરમશીભાઈ પટેલ અને મુનાભાઈ ભરવાડ બન્નેરહે. હળવદ તથા અન્ય ચાર અજાણ્યા શખ્સો સ્કોર્પિઓ, ક્રેટા તથા ટ્રેક્ટર એમ અલગ અલગ વાહનોમાં ત્યાં આવ્યા અને આરોપીઓએ ખેતર પોતાનું હોવાનું કહી ખાલી કરવાની માંગણી કરી હતી. ત્યારે ફરિયાદીએ કોર્ટ કેસ ચાલુ હોવાનું કહી ઇન્કાર કરતાં આરોપીઓ ઉશ્કેરાઈ ગાળો આપી લાકડાના ધોકા અને ઢીકાપાટુથી બળદેવભાઈ અને તેમની પત્નીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી દંપતીને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવ અંગે હળવદ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ તથા જી.પી. એક્ટ કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.









