ઠંડાપીણાની બોટલ માંગી ધ્યાન ભટકાવી થડામાંથી રોકડ લઈ ફરાર, અગાઉ લૂંટ કેસમાં ઝડપાયેલ આરોપી વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો.
મોરબીના સ્ટેશન રોડ પર પાનની દુકાનમાં ગ્રાહક બની આવેલા કુલદીપસિંગ સરદારજીએ વેપારીનું ધ્યાન ભટકાવી થડામાંથી રૂ. ૩૦,૦૦૦/-ની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપીએ અગાઉ છરીની અણીએ વેપારીનું બાઇક અને રોકડની લૂંટના કેસમાં પોલીસે ઉપરોક્ત આરોપીની અટકાયત કરી છે. ત્યારે પોલીસે આરોપી સામે વધુ એક ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલ પાન મસાલા અને કોલ્ડ્રિંક્સની દુકાનમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. આ અંગે શૈલેષભાઈ દામજીભાઈ સોલંકી રહે.નાની વાવડી ભગવતી પાર્ક સોસાયટી મોરબી મૂળ મોડપર ગામના વતનીએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી કુલદીપસિંગ ઉર્ફે કાલી સરદારજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, તેઓ સ્ટેશન રોડ પર “રાજુ પાન એન્ડ કોલ્ડ્રીક્સ” નામે દુકાન ચલાવે છે. ત્યારે ગત તા. ૨૫ એપ્રિલ ૨૦૨૬ના રોજ સાંજે તેઓ દુકાને હાજર હતા ત્યારે આરોપી કુલદીપસિંહ ઉર્ફે કાલી સરદારજી નામનો ઇસમ સિગારેટ લેવા આવ્યો હતો. આ દરમ્યાન આરોપીએ ઠંડાપીણું માગતા વેપારી ફ્રીજમાંથી બોટલ લેવા ઊભા થયા હતા. એ તકનો લાભ લઈ આરોપીએ ટેબલના ખાનામાંથી રોકડા રૂપિયા ૩૦ હજાર ચોરી કરી તરત જ સ્થળ પરથી નાસી ગયો હતો. ટેબલના ખાનામાંથી રૂપિયા ગુમ થયાની જાણ થતા વેપારીએ આરોપી કુલદીપસિંગની આસપાસ શોધખોળ કરતા આરોપી મળી આવ્યો નહોતો. વધુમાં તપાસમાં જાણવા મળ્યું કે આરોપી નજીકના ગેસ્ટહાઉસમાં રોકાયો હતો અને ત્યાંથી પણ રૂમ ખાલી કરી ભાગી ગયો હતો. હાલ ચોરીના બનાવ અંગે પોલીસે ઉપરોક્ત આરોપી સામે બી.એન.એસ. કલમ ૩૦૩(૨) હેઠળ ગુનો નોંધી આગળની કકરીવાહી હાથ ધરી છે.





