“ખેડૂતોની જમીન કંપનીની જાગીર નથી” કહી અદાણીના અધિકારીને ઝાટક્યા, યોગ્ય વળતર અને સંમતિ વગર કામ નહીં થવા દેવાની ચેતવણી.
મોરબી જીલ્લાના જેતપર ગામે અદાણી કંપની દ્વારા ૭૬૫ કેવી. હેવી વીજલાઇનનું કામ શરૂ કરાતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂત નેતા મહેશ રાજકોટિયા ખેડૂતો સાથે સ્થળ પર પહોંચ્યા અને કામ બંધ કરાવ્યું હતું. કંપનીના અધિકારીઓ દ્વારા ખેડૂતો સાથે અસભ્ય વર્તન કરાયું હોવાનો આક્ષેપ કરી રાજકોટિયાએ કડક ચેતવણી આપી હતી કે ખેડૂતોની સંમતિ અને યોગ્ય વળતર વગર કોઈપણ કામગીરી સહન કરવામાં નહીં આવે.
મોરબી જીલ્લાના જેતપર ગામ ખાતે અમરશીભાઈ હરીભાઈ ચંદ્રોલાની માલિકીની જમીનમાં અદાણી ગ્રુપ દ્વારા ૭૬૫ કેવી. હેવી વીજલાઇનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ કામગીરી સામે સ્થાનિક ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ત્યારે ખેડૂત આગેવાન મહેશ રાજકોટિયા ખેડૂતો સાથે સ્થળ પર પહોંચી ગયા હતા અને કામ તાત્કાલિક બંધ કરાવ્યું હતું. દરમિયાન કંપનીના અધિકારીઓ દ્વારા ખેડૂતો સાથે ઊંચા અવાજે અને અસભ્ય વર્તન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે રાજકોટિયાએ અધિકારીઓને જાહેરમાં કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો.
મહેશ રાજકોટિયાએ જણાવ્યું હતું કે ખેડૂતોના ખેતરોમાં દાદાગીરી ચલાવવામાં નહીં આવે અને ખેડૂતોના સ્વાભિમાન સાથે ચેડાં કરનાર સામે આરપારની લડાઈ લડાશે. તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે ખેડૂતોની સંમતિ વગર, યોગ્ય વળતર ચૂકવ્યા વગર અને નિયમોનું પાલન કર્યા વગર એક પણ વીજતાર ખેતરમાંથી પસાર થવા દેવામાં નહીં આવે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોલીસ પ્રોટેક્શનના આધારે ખેડૂતોને દબાવવાનો પ્રયાસ કરવામાં આવશે તો તેનો પણ સખત વિરોધ કરવામાં આવશે. “આ મોરબી જીલ્લો છે, અહીં ખેડૂતોના હક્કો સાથે રમનારને જડબાતોડ જવાબ મળશે”






